03, મે 2025
સુરત |
મોડેલ સુખપ્રીત કૌર મોડલિંગ માટે મધ્યપ્રદેશથી સુરત આવી હતી
સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરના આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. મૂળ મધ્યપ્રદેશની રહેવાસી સુખપ્રીત 4-5 દિવસ પહેલાં જ મોડેલિંગના કામ માટે સુરત આવી હતી. સુખપ્રીત કૌર સુરતના સારથી રેસિડેન્સીમાં તેની 3 મિત્રો સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. શનિવારે મોડી સાંજે તેની મિત્રો ઘરે પરત ફરી ત્યારે સુખપ્રીત બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટાથી લટકતી હાલતમાં મળી આવી, જેના કારણે આ દુ:ખદ ઘટનાની જાણ થઈ.
સુખપ્રીતની મિત્રોએ રૂમમાં લાશ જોઈ અને પોલીસને ફોન કર્યો
સ્થાનિક સારોલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો અને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સુખપ્રીત કૌર, જે મધ્યપ્રદેશના એક નાનકડા શહેરમાંથી મોડેલિંગની દુનિયામાં કારકિર્દી ઘડવાના સપના સાથે સુરત આવી હતી. તે હંમેશા હસમુખ અને મિલનસાર વ્યક્તિ તરીકે ઓળખાતી હતી. તેના પરિવારજનો અને પડોશીઓએ જણાવ્યું હતું કે, તેનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું. તેની સાથે રહેતી બહેનપણીઓ પણ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી. ઘટનાના દિવસે ઘરમાં કોઈ હાજર ન હતું, જ્યારે બહેનપણીઓ મોડી સાંજે ઘરે પહોંચી, ત્યારે તેમને સુખપ્રીતનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો. આ દૃશ્યથી ગભરાઈ ગયેલી બહેનપણીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પછી પોલીસે ઝડપથી કાર્યવાહી શરૂ કરી.
સુરતમાં સુખપ્રીત કોરના આપઘાતને લઇ વિવિધ અટકળો
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ સુરતના સારોલી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. સુખપ્રીતના આપઘાતનું કારણ શું હોઈ શકે, તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે, પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી. આ દુ:ખદ ઘટનાએ યુવાનોની માનસિક સ્થિતિ અને મોડેલિંગ જેવા સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં આવતા દબાણો પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. સારોલી પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેથી સુખપ્રીતના આ નિર્ણય પાછળનું સત્ય બહાર આવી શકે.