10, ફેબ્રુઆરી 2025
વડોદરા, વડોદરા જિલ્લાના ડભોઇ બોડેલી રોડ ઉપર આવેલાં અકોટાદર ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક્ટિવા ઉપર જઈ રહેલા બંને યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, એક્ટિવાના ટુકડે ટુકડા થઇ ગયા હતા. આ સાથે કારનો આગળનો ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત સર્જી ચાલક કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત થયો હોવાની જાણ થતાં જ ડભોઇ પોલીસ ઘટનાસ્થલે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સીમડીયા ગામનો રાહુલ અર્જુનભાઇ તડવી અને નસવાડી વાંકીખોર ગામનો અતીશ રમેશભાઇ તડવી ૯ ફેબ્રુઆરીની મોડી રાત્રે એક્ટિવા ઉપર ખેતીવાડી માટે ડિઝલ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડભોઇ-બોડેલી રોડ ઉપર આવેલા અકોટાદર ગામ પાસે પૂરપાટ પસાર થઇ રહેલી કારે એક્ટિવાને અડફેટે લીધી હતી. તે સમયે એક્ટિવા સવાર બંને યુવકો રોડ પર ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ યુવકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ ડભોઇ પોલીસને કરી હતી. ડભોઇ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મોતને ભેટેલા બંંને યુવાનો હરીશકુમાર તડવી અને અતીશ તડવીના મૃતદેહનો કબજાે લઇ પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે ફરાર થયેલાં કારચાલકની કારના નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના પાસિંગની કાર છોડી ચાલક ઘટનાસ્થળેથી રફૂચક્કર!
પૂરપાટ પસાર થઇ રહેલી અમદાવાદ પાસિંગની કારની અડફેટે આવી ગયેલા એક્ટિવાના પણ ટુકડે ટુકડા થઇ ગયા હતાં. કારના બોનેટનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. લોકોના જાેઈને પુરપાટ ઝડપે આવી અકસ્માત કરનાર કાર ચાલક પોતાની કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો.
હોસ્પિટલ પર પહોંચલા પરિવારનં હૈયાફાટ રૂદન
આ બનાવની જાણ બંને યુવકના પરિવારને કરવામાં આવી હતી. બનાવની જાણ પરિવારજનોને થતાં જ મોટી સંખ્યામાં પરિવારની સાથે ગામના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં, જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદ્દનથી સન્નાટો છવાઈ ગયો હતો. પંથકમાં ગમગીની ફેલાવી દેનારા આ બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.