03, એપ્રીલ 2025
2475 |
ગાંધીનગર ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક મામલે કોર્ટ કેસમાં અરજી પરત ખેંચાઇ છે. જેને લઈને હવે આ બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. તેવી જ રીતે કડી (અનુ. જાતિ) વિધાનસભા બેઠકના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હોવાથી તેની પણ પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયારી હાથ ધરાઇ છે. જેના અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ બંને બેઠકની મતદાર યાદી અંગે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ નક્કી કરાયો છે. જે મુજબ આગામી તા. ૫ મેના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરશે. ગુજરાતની બે સહિત દેશભરની કુલ આઠ વિધાનસભા બેઠકોની આગામી સમયમાં યોજાનાર પેટાચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવા નિર્દેશ અપાયા છે. જેના અંતર્ગત તા.૧ લી એપ્રિલ, ૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત આગામી સમયમાં યોજાનાર કડી (અ.જા) તથા વિસાવદર વિધાનસભા બેઠક માટે તા.૮/૪/૨૦૨૫ ના રોજ સંકલિત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિની સાથે જ તા.૮/૪/૨૦૨૫ થી તા.૨૪/૪/૨૦૨૫ સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. મતદારો તેમના મત વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા સંબંધિત જિલ્લાની કલેકટર કચેરી ખાતે મતદારયાદીનો મુસદ્દો જાેઈ શકશે. મતદારો પોતાનું તેમજ પરિવારજનોનું નામ મતદારયાદીમાં ચકાસી શકશે અને જરૂર જણાયે મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બૂથ લેવલ ઑફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના વોટર હેલ્પલાઇન એપ અને વીએસપી ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકશે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી તા.૫/૫/૨૦૨૫ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, ઇમેજ પીડીએફ ફોર્મેટમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ પર જાેવા મળી શકશે.