શહેરા, તા.ર૬ 

ભારતદેશની સરહદે રક્ષા કરનારો સૈનિક છે. દેશની વિવિધ સીમાઓ પર સૈનિકની વિવિધ બટાલિયન ફોજ રક્ષા કરી રહી છે જેના થકી દુશ્મનો આપણાં દેશમાં ઘુસી શકતા નથી. ભારતની સરહદે યુદ્ધો થયા છે જેમાં પાકિસ્તાન સાથેના યુદ્ધનો સમાવેશ થાય છે. કારગીલ યુધ્ધ દરેક ભારતવાસી ભૂલી નહીં શકે જેમાં દુશ્મન દેશ પાકિસ્તાનના સૈનિકોની ભારત દેશના વીર સૈનિકોએ ધૂળ ચટાવી હતી.

આ યુદ્ધમાં આપણા દેશના સૈનિકોએ લડતા લડતા શહીદ થયા હતા. આજના દિવસને ૨૬ જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવાની કોશિષ કરવામાં આવી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને ‘‘કારગિલ વોર’’ તરીકે ઓળખવામાં આવે છે જેમાં સૌથી વધુ ૫૦૦ જવાન શહીદ થયા હતા અને ૧૦૦૦થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ કારગિલના યુદ્ધમાં ગુજરાતી જવાનો પણ જંગમાં જોડાયા હતા જેમાંના એક ગુજરાતી વીર સપુત અને પંચમહાલના પનોતા પુત્ર ભલાભાઈ અખમભાઈ બારીયાએ કારગિલ યુદ્ધમાં દુશ્મનોને હંફાવી પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

આવો આપણે આ વીર શહીદની ગાથા જાણીએ

પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ખટકપૂર ગામના ભલાભાઇ બારીયાએ સામી ગોળીબારી વચ્ચે દુશ્મનોને માત આપી શહીદ થયા હતા. પરિવારજનો આજે પણ તેઓને યાદ કરે છે. ગામની સરકારી શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં આવેલી તેમની ખાંભી પરના સુરજ અને ચાંદો કહી રહ્યા છે. ‘‘જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઇ તેરા નામ રહેગા’’ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ બારીયાનો જન્મ પિતા અખમભાઈ અને માતા ઝીણીબહેનના ઘરે થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળા અને બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ ધોરણ ૧૦ સુધી લીધું હતું, તેઓમાં બાળપણથી જ દેશદાઝની લાગણી હોવાથી તેમણે સેનામાં જવાનું નક્કી કર્યું હતું.ભલાભાઈનું પોસ્ટીંગ ૧૨ મહાર રેજીમેન્ટમાં થયું હતું. વર્ષ ૧૯૯૯માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો કરવાની કોશિશ કરવામાં આવી અને ત્યારબાદ થયેલા ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં સામસામો ગોળીબાર ચાલુ થયો. ગોળીબારની સાથે-સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઇ અડીખમ અને અડગ હતા, તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા, જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી તેમજ લડતા લડતા દેશ માટે શહીદ થઈ હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને માદરે વતન ખટકપૂર લાવીને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ભલાભાઇ બારીયાના નાનાભાઈ બળવંતભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. માતા-પિતા અવસાન પામ્યા છે. અન્ય એક ભાઈ સોમાભાઈ આર્મીમાંથી સેવાનિવૃત્ત છે, તેમના પરિવારને સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. ગામની પ્રાથમિક શાળામાં ભણ્યા હોવાથી શાળાનું નામ પણ તેમના નામ સાથે જોડીને ભલાભાઈ અખમભાઈ બારીયા પ્રાથમિક શાળા રાખવામાં આવ્યું છે. અહીં એક ખાંભીની પણ સ્થાપના કરવામાં આવી છે જ્યાં દર વર્ષે કારગિલ વિજય દિવસના રોજ શ્રધ્ધાસુમન ગ્રામજનો, પરિવાર,અને શાળા પ્રશાસન તરફથી કરવામાં આવે છે. પંચમહાલના આ પનોતા પુત્રનું બલિદાન દેશ માટે હંમેશા યાદ રહેશે.