રાજકોટ-

કોરોનાના કેસ વકરી રહ્યા છે ત્યારે પરપ્રાંતિય મજૂરો વતન તરફ જતા નજરે ચડી રહ્યા છે. આજે રાજકોટના રેલવે સ્ટેશનની બહાર પરપ્રાંતિય મજૂરો વતન તરફ જવા માટે એક કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. મજૂરોને ભય છે કે લોકડાઉન આવશે તો પહેલા તેઓના કારખાના બંધ થઇ જશે અને તેઓ કામ ધંધા વગર ફસાય જશે.

આ તરફ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશ ટીલાળાએ લોકડાઉનની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. ટીલાળાએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિ મુજબ કોઇ જ પ્રકારનું લોકડાઉન થવાનું નથી જેના કારણે મજૂરોએ અફવાઓ પર ધ્યાન ન દેવું.મહત્વનું છે કે ગત વર્ષે લોકડાઉન આવવાને કારણે પરપ્રાંતિય મજૂરો માટે મુશ્કેલી સર્જાય હતી અને મજૂરો વતનની વાટ પકડી હતી. ત્યારે આ વખતે કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને લોકડાઉન આવે તેવી વાતોએ સોશિયલ મિડીયામાં વેગ પકડ્યો છે ત્યારે મજૂરો પોતાના વતન સુધી પહોંચી રહ્યા છે.

જો કે રાજ્ય સરકાર દ્રારા હાલના સંજોગોમાં લોકડાઉન નહિ આવે તેવી સ્પષ્ટ વાત કરી છે અને આજે હાઇકોર્ટમાં પણ લોકડાઉન નહિ આવે તેવી સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે.

બપોરે રેલવે સ્ટેશને અવ્યવસ્થા સર્જાઈ હતી. રવિવારે રાજકોટથી વતન જવા માટે શ્રમિકો રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે જેમની ટિકિટ કન્ફર્મ નહોતી થઇ અને વેઈટિંગમાં જેનું નામ છે તે મજૂરો પણ આવી પહોંચતા બપોરે રેલવે સ્ટેશને અવ્યવસ્થા સર્જાઈ હતી. મોટી સંખ્યામાં મુસાફરો આવી પહોંચતા થર્મલ સ્ક્રીનિંગ પણ નહોતું થઈ શક્યું અને પ્લેટફોર્મ ટિકિટ પણ આપી નહોતી શકાઈ.

રવિવારે અંદાજીત એક કિલોમીટર સુધીની લાઇન લાગી હતી. હાલ અત્યારે પ્લેટફોર્મ ટિકિટ આપવાનું પણ બંધ છે. મુસાફરોનો ફ્લો એટલો વધી ગયો હતો કે, થર્મલ સ્ક્રીનિંગ કરવામાં પણ ખાસ સ્ટાફ ફાળવ્યો હોવા છતાં અવ્યવસ્થા સર્જાઇ હતી. આ કોઈ વતન જવા માટેની હિજરત હતી નહીં. રવિવારે અંદાજિત એક કિલોમીટર સુધીની લાઇન લાગી હતી.વ્યવસ્થા જાળવવા માટે રેલવે પોલીસની મદદ લેવી પડી હતી.