પાલનપુર-

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે સોમવારે વહેલી સવારે કરંટ લાગવાથી 11 ગાયોના મોત નિપજતાં સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ અંગે જેમની ગાયો મૃત્યુ પામી છે એ પશુપાલક સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં ભારે હૈયે જણાવ્યું હતુ કે, વહેલી સવારે નિત્યક્રમ મુજબ 5.25 કલાકે તબેલામાં ગયો હતો. જ્યાં 11 ગાયોના આંચળામાં દુધ દોહવાના મશીન લગાવ્યા હતા. અને 5.30 કલાક સુધીમાં 11 જેટલી ગાયો દોવાઇ ગઇ હતી. ચાર ગાયો દોહવાની બાકી હતી. પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે વહેલી સવારે ગાયો દોહતી વખતે મશીનમાં થયેલા શોર્ટ સર્કિટથી લોખંડની જાળીમાં કરંટ ઉતર્યો હતો. જ્યાં પશુપાલકના પગમાં પગરખાં હોવાથી તેઓ બચી ગયા હતા. જોકે, 11 ગાયોને ગરદનના ભાગેથી કરંટ શરીરમાં પ્રવેશી જતાં ગાયો તરફડીને મોતને ભેટી હતી.આંચળમાંથી દૂધ કાઢવાના મશીનની મોટરમાં ખરાબી સર્જાઈ હતી અને તેનું આખું મિકેનિઝમ બગડ્યું હતું. વાયર શોટ થવાથી મશીન પર કરંટ આવ્યો અને જે એંગલ પર મશીન મૂક્યું હતું તેમાંથી કરંટ આગળ વધીને ગાયો જ્યાં બાંધેલી હતી તે તમામ જાળીમાં પ્રસરી ગયો હતો. એક પછી એક ગાયો તરફડીને મોતને ભેટી હતી.