જામનગર-

જામનગરમાંથી એક શખ્સને એક પિસ્તોલ અને બે કારતુસ સાથે પોલીસે ઝડપી લીધા પછી તેની પૂછપરછમાં અન્ય કેટલાક હથિયારો ની તેણે કબૂલાત આપી હતી.જે હથિયાર હાલ જેલ માં રહેલ બે આરોપીએ સપ્લાય કર્યા હતા. તેવું જણાવતા પોલીસે જેલમાં રહેલા અન્ય બે આરોપીઓ નો કબજો મેળવી પૂછપરછ કરતા જામનગર તાલુકાના સિક્કા ગામ નજીક બાવળો ની ઝાડી માં જમીનમાં દાટી દીધેલી 10 પિસ્તોલ અને 17 કારતુંસ પોલીસ સમક્ષ કાઢી આપ્યા હતા.આમ જામનગરમાંથી કુલ 11 પિસ્તોલ અને 19 કારતુસ નો જંગી જખીરો પકડાયો હતો.

જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન ની સુચના થી એલ સી બી ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી અને પીએસઆઇ બી.એમ દેવમુરારી અને આર બી. ગોજીયા ના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો. ત્યારે ભગીરથસિંહ સરવૈયા અને દિલીપ તલાવડીયા ને મળેલી બાતમીના આધારે રેલ્વે ઓવરબ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી.અને રાયમલ હાજી સંઘી ને એક પિસ્તોલ અને બે કારતુસ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી રાયમલ સંધી ની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરતા આ હથિયાર એક વર્ષ પહેલા હિતુભા ભગતસિંહ ઝાલા અને પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઈ શિયાળ નામના બંને શખ્સો એ સપ્લાય કર્યુ હોવાનું કબુલાત આપી હતી. આ બંને આરોપીઓ હાલ જેલમાં હોવાથી એલસીબી પોલીસે જેલ માંથી બંને નો કબજો મેળવ્યો હતો. અને તેમની પૂછપરછ કરતા તેઓ પાસે વધુ કેટલાક હથીયાર હોવા ની અને સિક્કા ગામ નજીક છુપાવ્યા હોવાની કબૂલાત આપી હતી.

આથી એલસીબી પોલીસ નો કાફલો આરોપીઓને લઈને જામનગર તાલુકાના સિક્કા ગામ નજીક ડિવાઇન મોટર ગેરેજ પાછળ બાવળની ઝાડી પાસે પહોંચ્યો હતો અને જ્યાં જમીનમાં દાટી ને છૂપાવેલા 10 પિસ્તોલ અને 17 કારતુસ પોલીસ સમક્ષ કાઢી આપ્યા હતા.આથી પોલીસે કુલ રૂ.2 લાખ 25 હજાર ની કિંમત ની 11 નંગ પિસ્તોલ અને 1900 કિંમત ના 19 નંગ કારતુસ કબ્જે લીધા છે.