વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય મેળાવડાઓ બાદ કોરોનાના કેસોમાં એકાએક વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૧૨ પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે. કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાથી મૃત્યુઆંક પાલિકાના ચોપડે ૨૪૫ નોંધાયો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સ્મશાનમાં કોવિડની ગાઈડલાઈન સાથે કરાતી અંતિમક્રિયાને લઈને જણાઈ રહ્યું છે.

કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, રાજકીય મેળાવડાઓ બાદ ફરી જાણે રાફડો ફાટ્યો હોય તેમ રોજ ૧૦૦થી વધુ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. કોરોનાના સેકન્ડ રાઉન્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક ઉછાળો આવતાં વહીવટીતંત્ર દોડતું થયું છે અને ફરીથી અર્બન હેલ્થ સેન્ટરો, સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સાથે સરકારી તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં કોવિડના બેડની સંખ્યા વધારવામાં આવી છે.કોવિડ-૧૯ના વધી રહેલા કેસો વચ્ચે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૩૭૯૦ લોકોના સેમ્પલો પૈકી ૧૧૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૩૬૭૮નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડથી સત્તાવાર મૃત્યુઆંક ૨૪૫ છે. જાે કે, બિનસત્તાવાર મૃત્યુઆંક ઘણો વધુ છે, જ્યારે આજે વધુ ૧૦૯ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પાલિકાની યાદી મુજબ એક્ટિવ કેસોની સંખ્યા ૬૫૭ છે જે પૈકી ૪૮૯ દર્દીઓ સ્ટેબલ, ૧૧૫ ઓક્સિજન ઉપર અને ૫૩ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. આમ આજે ફરી એકવાર કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૦૦થી ઉપર પહોંચતાં વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે.

રવિવારે આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા

આજે પોઝિટિવ આવેલા દર્દીઓમાં તાંદલજા, ફતેપુરા, પાણીગેટ, વારસિયા, નવી ધરતી, યમુના મિલ, વડસર, સુભાનપુરા, ગોરવા, સવાદ, રામદેવનગર, આજવા રોડ, ભૂતડીઝાંપા, સોમા તળાવ, માંજલપુર, માણેજા, દંતેશ્વર, પ્રતાપનગર, અકોટા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગોરજ, રણોલી, ડભોઈ, રતનપુર, કરચિયા અને પાદરાનો સમાવેશ થાય છે.

વધુ ૧૦૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

શહેર-જિલ્લાની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સંપૂર્ણ સ્વસ્થ થતાં આજે વધુ ૧૦૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. જેમાં ૯ દર્દીઓ સરકારી હોસ્પિટલમાંથી ૧૪ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાંથી તેમજ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહેલા ૮૬ દર્દીઓનો સમાવેશ થાય છે.