અમદાવાદ-

સાબરમતી ટ્રેન નરસંહારના આરોપી ફારૂક ભાણા તરફે વચગાળા જામીન અરજી લંબાવવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી કે તેના પુત્રના લગ્નમાં થયેલ ખર્ચની ચૂકવણી માટે વચગાળા જામીન લંબાવી આપવામાં આવે. કોર્ટે આ વાતને માન્ય રાખતા ૨૨મી જાન્યુઆરી સુધી આરોપીના વચગાળાના જામીન લંબાવી આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે આરોપીના વચગાળા જામીન હવે લંબાવવામાં આવશે નહિ. કોર્ટે આરોપીને ૨૩મી જાન્યુઆરીના રોજ જેલ સતાધીશો સમક્ષ સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે દાખલ કરવામાં આવેલી વચગાળા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે તેના પુત્રના લગ્ન ૧લી જાન્યુઆરી ૨૦૨૧ થી ૫ જાન્યુઆરી ૨૦૨૧ વચ્ચે હોવાથી તેમને વચગાળા જામીન આપવામાં આવે. કોર્ટે આરોપીના વચગાળા જામીન મંજુર કરતા નોંધ્યું હતું કે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને હાલ ચાર વર્ષ અને ચાર મહિના સુધી જેલની સજા કાપી છે.

અગાઉ આરોપીને જ્યારે પણ વચગાળા જામીન આપવામાં આવ્યા છે, ત્યારે સમયસર સરેન્ડર કર્યું છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે ફારૂક ભાણાના ત્રણ સપ્તાહના હંગામી જામીન મંજુર કર્યા હતાં. હાઈકોર્ટે આરોપીને ૧૦,૦૦૦ રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સ્તધીશો સમક્ષ જમા કરવાનો નિર્દેશ કર્યો હતો. અમદાવાદ જેલ સત્તાધીશ દ્વારા ૩ જૂન ૨૦૨૦ના રોજ બહાર કોવિડ-૧૯ બચાવને લગતા પરિપત્ર મુજબ આરોપીને તમામ નિયમોનું પાલન કરવું પડશે.