ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા ૬ કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સુત્ર સાથે જંગ છેડ્યો છે. વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ સારવાર, દવાઓ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંવેદનશીલ ભાવ સાથે મુખ્યમંત્રી રાહતનિધિમાં કોરોના અંગે વિશેષ ફંડ-દાન ભંડોળ માટે રાજ્યના નાગરિકોને કરેલી અપીલનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો છે. મુખ્યમંત્રી રાહતનિધીમાં કોરોના સામેનો જંગ લડવા પ્રાપ્ત થયેલા દાન ભંડોળમાંથી વિજયભાઇ રૂપાણીએ અત્યાર સુધીમાં રૂપિયા ૨૪૪ કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને જરૂરી દવાઓ, ઇન્જેક્શન તેમજ સારવાર સુવિધાઓ સરકારી ખર્ચે મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલિકાઓ અને આરોગ્ય વિભાગને મુખ્યમંત્રી રાહતનિધીમાંથી ખાસ રકમ ફાળવી છે.

તદઅનુસાર તેમણે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૫૦ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૫ કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૧૦-૧૦ કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૫-૫ કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવેલા છે. વિજય ભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કોરોના ફંડની જે રકમ મહાનગરોને કોરોના સામે જરૂરી દવાઓ ઇન્જેક્શન તેમજ અન્ય આરોગ્ય વિષયક સુવિધાઓ ઉભી કરવા આપી છે તેના પરિણામે રાજ્યમાં લગભગ ૮૦ ટકા કોરોના સંક્રમિત લોકો આ સારવારનો લાભ લઈને સાજા થઈ પોતાના ઘરે ગયા છે. મુખ્યમંત્રીએ જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટે કોવિડ હોસ્પિટલ, સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, ઘનવંતરી આરોગ્ય રથ, કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે. અમદાવાદ મહાનગરમાં રૂ. ૧ કરોડના ખર્ચે ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શનની ખરીદી કરીને આશરે ૨૫૦ દર્દીઓને આ ઇન્જેક્શનથી સારવાર આપવામાં આવી છે. ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા પણ ૫૫૦ ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન અમદાવાદ શહેર માટે આપવામાં આવ્યા છે,

જેમાંથી ૪૫૦ દર્દીઓને ઇન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં ૧૧૦ જેટલા ધનવંતરી રથના માધ્યમથી ૬ લાખ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેની લડાઇ માટે કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર અંગે દવાઓ માટે રૂ. ૧૧.૪૬ કરોડ તેમજ જરૂરી મેડિકલ ઇક્વિમેન્ટ માટે રૂ. ૪ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ દવાઓ અને સંક્રમિત વ્યક્તિઓની સારવાર કરતા તબીબો માટે પી.પી.ઇ. કીટ માટે રૂ. ૧૩.૮૯ લાખ, ધનવંતરી રથ અન્વયે રૂ. ૩૩.૭૫ લાખ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ પાછળ રૂ.૧૫ લાખથી વધુની રકમ ફાળવી છે. વડોદરા મહાનગરપાલિકાએ મુખ્ય મંત્રી રાહતનિધિમાંથી મળેલી રકમ માંથી કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેના મેડિકલ ઇક્વિમેન્ટ ખરીદી માટે રૂ. ૧.૭૨ કરોડથી વધુ ફાળવ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગને પણ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી જે રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં દૂર સૂદુરના અંતરિયાળ વિસ્તારોને પણ કોરોના સંક્રમણ સામે ઉપચારાત્મક અને આરોગ્ય રક્ષક દવાઓ પૂરી પાડવા જરૂરી દવાઓ ખરીદી માટે રૂ. ૧૧.૮૨ કરોડ નો ખર્ચ કર્યો છે. આરોગ્ય સેવાના તબીબો, પેરા મેડિકલ સ્ટાફ વગેરે જેઓ કોરોના સંક્રમિત લોકોની સારવારમાં જાેડાયેલા હોય તેમને રક્ષણ આપવા ૨૦,૯૮,૪૮૫ એન-૯૫ માસ્ક, પી.પી.ઈ કીટ, હેન્ડ ગ્લોસ અને સેનેટાઇઝર વગેરેની ખરીદી પાછળ રૂ. ૧૫.૪૨ કરોડ નો ઉપયોગ કર્યો છે.