ઊના-

ઓખા, જખૌ, દ્વારકા, કચ્છની દરિયાઈ સીમા નજીકથી માછીમારી કરતી બોટોને અવારનવાર પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સી પકડીને લઇ જાય છે. અને વર્ષો સુધી જેલમાં ગોંધી રાખતી હોય છે. ગિર સોમનાથ જિલ્લાના કુલ ૨૦૨ માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં છે. ત્યારે ઊના તાલુકાના એકલા દાંડી ગામનાજ ૨૯ માછીમારો હાલ પાક.માં કેદ છે. પાક. જેલમાં રહેલા માછીમારોનાં પરિવારોએ અનેક યાતના વેઠવી પડે છે. આ મહિલાઓ, તેમના બાળકો પૂછે છે, અમારા સ્વજન ક્યારે છૂટશે. મત્સ્યોદ્યોગનાં અધિક્ષક નાયબ નિયામકની કચેરીનાં રેકર્ડ આધારિત માહિતી મુજબ ૩ માર્ચ ૨૦૧૭ થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ગીર સોમનાથ જીલ્લાના ૨૦૨ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.

જેમાં એકલા ઊના તાલુકાના દાંડી ગામનાજ ૨૯ માછીમારો સામેલ છે. આ ઉપરાંત ૨૦૨૧ નાં વર્ષ દરમ્યાન પણ માછીમારોને પાકિસ્તાને પકડ્યા છે. તેની વિગતો હજુ જાેકે મળતી નથી. આમ ૫ વર્ષ જેવા લાંબા સમયથી આ માછીમારોનાં પરિવારોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં હજુ તેમના સ્વજનો ક્યારે છૂટીને આવશે તેની ખબર નથી. પણ પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારો કેમ છૂટતા નથી તેનો સ્પષ્ટ જવાબ નથી મળતો. માછીમારોનાં પરિવારોનો પણ આક્ષેપ છેકે, બોટ માલીકો પોતાની બોટમાં જેતે મુખ્ય ટંડલના હસ્તક બીજા માછીમારોને સિઝન આધારિત પગાર નક્કી કરીને બોટમાં લઈ જતાં હોય છે. પણ તેઓને પાકિસ્તાન પકડી જાય ત્યારે છોડાવવાની કોઈ કાર્યવાહી કરતા નથી. એટલુંજ નહીં તેમના પરીવારોને આર્થિક મદદ પણ કરતા નથી. આથી ઘરની મહિલાઓ-બાળકો માનસિકની સાથે આર્થિક રીતે પણ ભાંગી પડતી હોય છે. આવા પરિવારોનાં બાળકોએ શિક્ષણ છોડીને મજૂરી કામે લાગી જવું પડે છે. તેઓ બાળ મજુરીને કારણે અનેક બિમારીનો ભોગ પણ બને છે.