વડોદરા : હાઈવે પરથી નિર્દોષ ઢોરોની ગેરકાયદે હેરફેરના કૈાભાંડનો જીવદયા કાર્યકરોની સતર્કતાથી વધુ એક વાર પર્દાફાશ થયો છે. જીવદયા કાર્યકરોએ ગત રાત્રે એક્સપ્રેસ હાઈવે પરથી બે ટ્રકમાં ખીચોખીચ અને ક્રુરતાપુર્વક ભરેલા ૫૨૯ ઘેટા-બકરાઓને બચાવી લઈ તમામ જાનવરોને સાચવવા માટે દરજીપુરા પાંજપોળ ખાતે મોકલી આપ્યા હતા. તાલુકા પોલીસે બંને ટ્રકના ડ્રાઈવરો સહિત ૮ની અટકાયત કરી તેઓની પાસેથી ૩૯.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી હાઈવે પરથી નિર્દોષ જાનવરોને કતલખાને મોકલવા માટે તેઓની ગેરકાયદે હેરફેર કરવાનું મોટા પ્રમાણમાં કૈાભાંડ શરૂ થયુ હોઈ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના અધિકારી રાજીવભાઈ શાહ સહિતના કાર્યકરોએ ગત રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન કાર્યકરોએ બંધ બોડીની બે ટ્રકોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી હતી. આ બંને ટ્રકોમાં કોઈ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના ક્રુરતાપુર્વક ખીચોખીચ ભરેલા કુલ ૩૧૭ ઘેટા અને ૨૧૨ બકરા મળી આવ્યા હતા. આ તમામ ૫૨૯ ઢોરોની ગેરકાયદે હેરફેર થતી હોવાની જાણ થતાં કાર્યકરોએ તાલુકા પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે ઘટનાસ્થળે આવી તમામ એક ટ્રકમાં બાંધેલા ૫.૩૪ લાખના ૨૬૭ ઢોરો તેમજ બીજી ટ્રકમાંથી ૫.૨૪ લાખની કિંમતના ૨૬૨ ઢોરોનો કબજાે લઈ તમામ ઢોરોને સાચવવા માટે દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.આ બનાવની રાજીવભાઈની ફરિયાદના પગલે પોલીસે પાટણના રાધનપુરમાં રહેતા જીજે-૧૨-ઝેડએ-૬૧૧૬ ટ્રકના ચાલક આરીફ બદરીયાખાન બલોચ, તેમજ ક્લિનર રઝાક ઈમામ સિપાહી તેમજ ડીસમાં રહેતા મજુરો અયુબ ગુલઝાર કુરેશી અને અમીત ઉંમરભાઈ શેખની અટકાયત કરી હતી. જયારે જીજે-૨૪-એક્સ-૩૫૧૪ના ટ્રકચાલક પાટણના રાધનપુરમાં રહેતા યુસુફ મીરખાન બલોચ, ક્લિનર રહીમ મીરખાન બલોચ તેમજ બે મજુરો ઈમરાન ઈદ્રીશ શેખ અને નાસીર રબ્બાની કુરેશીની અટકાયત કરી હતી. પોલીસે બંને ટ્રકના ચાલકો અને ક્લિનરો સહિત આઠેય આરોપીઓ પાસેથી ઢોરો તેમજ બે ટ્રક સહિત કુલ ૩૯.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી વિગતો મુજબ આરોપીઓની પુછપરછ કરતા તેઓએ આ ઢોરોને રાજસ્થાનથી તેમજ રાધનપુરથી મુંબઈ લઈ જતા હોવાની વિગતો જણાવી હતી પરંતું તેના કોઈ પુરાવા રજુ કરી શક્યા નહોંતા.