દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર પર ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ લાગ્યા છે કે કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નારાઓ લગાવવામાં આવ્યા. આ મામલે હવે કાર્યક્રમના આયોજક અશ્વિની ઉપાધ્યાય સહિત ૬ લોકોની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ડીસીપી દીપક યાદવે જણાવ્યું, સુપ્રીમ કૉર્ટના સીનિયર વકીલ અશ્વિની ઉપાધ્યાય સહિત ૫ લોકોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી છે.

આ તમામ સાથે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. મુસ્લિમ વિરોધી ભાષણ મામલે જે ૫ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેમાં દીપક સિંહ, વિનોદ શર્મા, દીપક, વિનીત ક્રાંતિ અને પ્રીત સિંહ સામેલ છે. આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાને સોમવારના અશ્વિની ઉપાધ્યાયની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.અશ્વિની ઉપાધ્યાય રાત્રે ૩ વાગ્યાની આસપાસ કનૉટ પ્લેસ પોલિસ સ્ટેસન પહોંચ્યા. તેમણે કહ્યું કે, નારા લગાવનારાઓને નથી ઓળખતો. વિડીયોની તપાસ કરવામાં આવે અને દોષિતોની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે. દિલ્હી પોલીસે કહ્યું કે, કોઈપણ રીતે સાંપ્રદાયિક દ્વેષને સહન કરવામાં નહીં આવે. આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાને અશ્વિની ઉપાધ્યાયની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, દેશની રાજધાનીમાં સંસદથી કેટલાક અંતર પર એક વર્ગને ખુલ્લેઆમ કાપવાની ધમકી આપનારા ટોળાની વિરુદ્ધ પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ કરીને એનએસએ અને યુપીએ હેઠળ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે. પુરાવા સામે હોવા છતાં પણ આખરે કાર્યવાહી કરવામાં મોડું કેમ થઈ રહ્યું છે?