અમદાવાદ

કોરોના વાઈરસને કારણે છેલ્લાં ૮ મહિનાથી રાજ્યની તમામ કોર્ટ બંધ છે અને વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોર્ટ બંધ હોવાથી વકીલો માનસિક રીતે નર્વસ થઈ ગયા હોવાનું સિનિયર ધારાશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. ત્યારે એવા સમયે વકીલાતનો અભ્યાસ કર્યા બાદ ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ૩૧ ઓક્ટોબરના ૧૦ મહિનામાં ૯૩૦ મહિલા અને ૧૮૪૬ પુરૂષ મળી કુલ ૨૭૭૬ જણાએ વકીલાતની પ્રેક્ટિસ કરવા બાર કાઉન્સિલમાંથી સનદ (લાઈસન્સ) મેળવી છે. વર્ષ ૧૯૬૦માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ બન્યાને એક વર્ષમાં એટલે કે, ૧૯૬૧માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે રાજ્યમાં માત્ર ૯ મહિલા વકીલ અને ૧૧૭૩ પુરૂષ મળી કુલ ૧૧૮૨ લોકો વકીલાત કરતાં હતાં. બાર કાઉન્સિલમાં ૫૯ વર્ષના ઈતિહાસમાં અત્યારે રાજ્યમાં ૮૪૫૭૯ ધારાશાસ્ત્રી છે. ૧૯૬૧માં માત્ર ૯ મહિલા વકીલાત કરતી હતી. જેમાં ૫૯ વર્ષમાં આ આંકડો ૨૪૪૯૦ સુધી પહોંચ્યો છે. સૌથી વધુ વકીલો વર્ષ ૨૦૧૯માં બન્યા હતા. એ વર્ષે ૫૧૦૫ લોકોએ વકીલાત કરવા સનદ લીધી હતી. એ જ રીતે વર્ષ ૨૦૧૮માં ૪૮૭૭ લોકો વકીલાતના વ્યવસાયમાં જાેડાયા હતા. વર્ષ ૧૯૯૯માં ૯૩૦ મહિલા સહિત ૪૯૧૦ લોકો વકીલ બન્યા હતા.

વર્ષ ૨૦૨૦ માં રાજ્યમાં કુલ ૧૦૦૫૫૯ વકીલો હતા. પરંતુ ૧૫૯૭૮ વકીલોએ તેમની સનદ જમા કરાવી દીધી છે. જેમની સનદ બાર કાઉન્સિલમાં જમા થઈ છે. એમા જે વકીલોના મૃત્યુ થયા હોય તેમની સનદ, અન્ય નોકરી કે ધંધો કરતા હોય, વિદેશ જતા રહ્યા હોય તેમજ જે લોકોને વકીલાત ના કરવી હોય એવા લોકોએ તેમની સનદ જમા કરાવી છે.