રાજકોટ,તા.૧૬ 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૪.૮ની તીવ્રતાથી ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. ગુરૂવારે સવારે ૭.૪૦ કલાકે સૌરાષ્ટ્રમાં ભુકંપનાં આંચકા અનુભવાતા લોકો સફાળા જાગીને ઘરની બહાર આવી ગયા હતા. રાજકોટથી ૨૨ કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટનાં કલેક્ટર રમ્યા મોહન સાથે આ અંગે ફોન પર વાત કરીને માહિતી મેળવી છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ‘કોઇપણ પ્રકારનું નુકસાન થયું હોય તો તરત જ કાર્યવાહી કરવામાં આવે.’રાજકોટ, અમરેલી,વીરપુર, ગોંડલ, જસદણ, ચોટિલા, જામનગર, જૂનાગઢ સહિતનાં અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. એકબાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનાથી લોકોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે આ ભૂકંપના કારણે હજી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી. કલેક્ટર રમ્યા મોહને આ અંગે જણાવ્યું કે, બધા તાલુકાઓમાંથી રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે. ૭.૪૦ મિનિટે જે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેમા કોઇ ખાસ નુકસાન નથી તેવા રિપોર્ટ મળ્યા છે. ગ્રામ્ય વિસ્તાર સહિત કોઇ નુકસાન નથી અને દરેક ગામમાંથી રિપોર્ટ લેવાનો ચાલુ છે.