પાવીજેતપુર,તા.૨૧

પાવી જેતપુરમાં આજે વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસ્યો હતો અને ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં જ ૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અને રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જાેવા મળતા હતા.

પ્રાપ્ત માહીતી મુજબ પાવી જેતપુરમાં આજે વહેલી સવારથી જ વરસાદે અનરાધાર બેટિંગ શરૂ કરી હતી અને સવારના ૬ વાગ્યાથી મુશળધાર વરસાદ શરૂ થઇ ગયો હતો. અને જાેત જાેતામાં તોફાની બેટિંગ કરીને બપોરના ૨ વાગ્યા સુધીમાં ૫ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હતો. ભારે વરસાદને પગલે પાવી જેતપુરનું જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. પાવી જેતપુરમાં પડેલા અનરાધરા વરસાદને પગલે રસ્તા પર પણ પાણી ફરી રહ્યા હતા તે સમયે જાણે રસ્તા નદી બની ગયા હોય તેવા દ્રશ્યો જાેવા મળતા હતા. ભારે વરસાદને પગલે ગામની સાર્વજનિક હાઈસ્કૂલના કંપાઉંડમાં પાણી ભરાઈ જતા વિધ્યાર્થીઓ શાળાએ જઇ શક્યા ન હતા. વહેલી સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે પાવી જેતપુર ગામના તળાવ ફળીયામાં પાણી ભરાઈ ગયા હતા. અને સ્વામીનારાયણ સોસાયટીમા તો લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જ્યારે વાઘવા રોડ પર પણ ઘૂટણસમા પાણી ભરાઈ ગયા હતા.