અમદાવાદ-

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં નંદરબાર, દહીગાવ, ભૂસાવલ,માં દોઢ ઇંચ સહિત 21 રેઇનગેજ સ્ટેશનમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે જ ગીરના ડેમમાંથી 75,000 કયુસેક , હથનુર ડેમમાંથી 25,000 કયુસેક પાણી છોડાઇ રહ્યું હતું. આમ 1 લાખ કયુસેક પાણીની આવકની સાથે જ વરસાદનું પાણી ભેગું થતું હોવાથી ઉકાઇ ડેમમાં પાણીનો મોટો જથ્થો આવવાની શકયતાઓ હતી. સાથે જ ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલ 345 થી દોઢ ફૂટ જ છેટી હોવાથી સત્તાધીશોએ સપાટી નીચી લઇ જવા માટે નિર્ણય બદલ્યા હતા. શનિવારની રાત્રીના 12 વાગ્યાથી રવિવારે સવારે 8 વાગ્યા સુધી ડેમના દરવાજા ખોલીને 39,000 કયુસેક પાણી છોડયા બાદ બંધ કરી દઇને ફરીથી 11 વાગ્યાથી ડેમના દરવાજા ખોલીને 50,000 કયુસેક કરી દેવાયા બાદ મોડી સાંજે ફરી નિર્ણય બદલીને એક દરવાજો સાડા ત્રણ ફૂટ અને આઠ દરવાજા પાંચ ફૂટ સુધીના ખોલીને કુલ 9 દરવાજામાંથી 1 લાખ કયુસેક પાણી છોડવાનું આરંભીને ઉકાઇ ડેમની સપાટી નીચી લઇ જવાની મથામણ શરૃ કરી છે. મોડી સાંજે 7 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 343.52 ફૂટ, ઇનફલો 82,000 કયુસેક અને આઉટફલો 1 લાખ કયુસેક નોંધાયો હતો. આ પાણીની આવક સુરત સ્થિત તાપી નદીમાં આવનાર હોવાથી સુરતનું તંત્ર એલર્ટ થઇ ગયુ છે.