રાજપીપળા

ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાનું નામ આપી ફોન દ્વારા ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાની ઉઘરાણી કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે.ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાએ આ મામલે ભરૂચ જિલ્લા પોલિસ વડાને લેખિત ફરિયાદ કરી પૈસાની માંગણી કરનાર તત્વોને પકડી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના નામથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓને ફોન કરી ધાર્મિક પ્રવૃતિઓ અને ભંડારો યોજવાના નામે પૈસાની ઉઘરાણી કરાઈ રહી હોવાની ફરિયાદ ખુદ મનસુખભાઈ વસાવા સુધી પહોંચી હતી.ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગપતિઓએ આ મામલે મનસુખભાઈ વસાવાને ખરાઈ કરવા ફોન કર્યો ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી.જે ફોન પરથી પૈસાની ઉઘરાણી માટે ફોન આવ્યા હતા એ ફોન નંબરનું લિસ્ટ મનસુખભાઈ વસાવાને ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓએ આપ્યું છે, એ લિસ્ટ સાથે મનસુખભાઈ વસાવાએ ભરુચ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે.

મનસુખભાઈ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું મોટા મોટા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓનું નામ લઈ ઉદ્યોગપતિઓ પાસે પૈસા ઉઘરાવતી એક ટોળકી આખા ગુજરાતમાં સક્રિય છે.ભંડારા અને ધાર્મિક કાર્યક્રમો માટે ફાળાના સ્વરૂપમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ પાસે મારા નામથી પૈસાની ઉઘરાણી માટે ફોન આવ્યા હતા, હવે હું આવી રીતે બીજા પાસે કોઈ દિવસ પૈસા માટે ફોન ન કરાવું કે કોઈ પાસે પૈસા માગું પણ નહિ એવી ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓને ચોક્કસ ખાતરી.એટલે એમણે ખરાઈ કરવા મને ફોન કર્યો ત્યારે મને જાણ થઈ કે મારા નામથી બીજા ત્રાહિત લોકો ધાર્મિક કાર્યક્રમ માટે પૈસાનું ઉઘરાણું કરે છે.ગુજરાતની બહારની એક આખી ગેંગ છે જે અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી પૈસા ઉઘરાવે છે.મેં ભરૂચ જિલ્લા પોલીસ વડાને આવા અલગ અલગ ફોન નંબરો સાથે લેખિત ફરિયાદ કરી છે.