સુરત-

કોરોના મહામારીનો કહેર રાજ્યમાં સતત વધી રહ્યો છે. સરકારી યાદી પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોનો આંકડો ૪૪,૬૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે મુત્યુઆંક ૨૦૦૦ને પાર છે. ત્યારે હવે સરકાર દ્વારા કોરોના કેસોના આંકડા અને તેનાથી મૃત્યુ પામતા નાગરીકોની સંખ્યા જ છુપાવવામાં આવતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ સુરતમાં કોરોનાથી થતા મોતના આંકડા છૂપાવવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય એમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે એવી માહિતી મળી છે કે હવેથી પાલિકા કર્મચારી મૃતદેહની નોંધણી કરશે. જ્યારે રાત્રે ૧૦થી સવારે ૬ સુધી એસએમસી કર્મચારી હાજર રહેશે. ઉપરાંત, એસએમસીએ સ્મશાન ગૃહ બહાર સિકયોરીટી ગાર્ડ પણ તૈનાત કર્યા છે. સ્મશાનગૃહના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી આ અંગે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ એકતા ટ્રસ્ટની ગેરસમજ થયાનો તંત્રનો લુલો બચાવ જાેવા મળ્યો છે. વિવાદ બાદ એસએમસી દ્વારા પડદો પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

માહિતી પ્રમાણે સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓ સાથે તંત્રની મહત્વની બેઠક થઈ. જેમાં સ્પેશિયલ અધિકારીઓ પાસે ટ્રસ્ટીઓ દ્વારા કર્મચારીઓની માંગ કરાઈ છે. રાતે આવતા મુતદેહો માટે માંગ ઉઠી છે. ત્યારે અધિકારીઓ આદેશ આપતા કહ્યું કે, હવેથી મૃતદેહની નોંધણી પાલિકા કર્મચારીઓ કરશે. રાતે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી મનપા કર્મચારીઓ માર્શલ સાથે હજાર રહેશે એમ પણ કહેવામાં આવ્યું છે.