ચેન્નેઇ-

બંગાળની ખાડી પર ઓછા દબાણનો વિસ્તાર છે. તેના ચક્રવાત તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે. આ તોફાન મંગળવાર અને ગુરુવારની વચ્ચે આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવી શકે છે.

તે જ સમયે, રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (એનડીઆરએફ) એ ચક્રવાત નિવારણને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે બે ડઝનથી વધુ ટીમોને તૈયાર રહેવા જણાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુ અને પુડુચેરીને તોફાન સાથેના વ્યવહારમાં દરેક શક્ય સહાયની ખાતરી આપી છે. વડાપ્રધાન મોદીએ એક ટવીટમાં જણાવ્યું હતું કે તેમણે તમિળનાડુના સીએમ પલાનીસ્વામી અને પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન વી નારાયણસામીને કેન્દ્ર તરફથી તમામ શક્ય સમર્થન આપવાની ખાતરી આપી છે. પીએમએ કહ્યું કે હું અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનાવેલ દબાણ પશ્ચિમ-પશ્ચિમ દિશામાં છેલ્લા 06 કલાક દરમિયાન પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું છે. તે એક ચક્રવાત તોફાન 'નિવાર' માં ફેરવાશે તેવી અપેક્ષા છે. તે 25 નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવી શકે છે.

આગામી 24 કલાક દરમિયાન તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે તેવી શક્યતા છે, જે ભારે પવન સાથે વરસાદ કરશે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી 12 કલાક દરમિયાન તે પશ્ચિમ-વાયવ્ય દિશા તરફ આગળ વધવાની સંભાવના છે. 25 નવેમ્બરની સાંજે વાવાઝોડું તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે કરૈકલ અને મમ્મલાપુરમ વચ્ચે વહન કરે તેવી શક્યતા છે.