વડોદરા, તા.૮

વડોદરા શહેરને રસ્તે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે આજે ફરી ગોપાલકોની સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પશુપાલકોએ તેમની માગણી સાથે કેટલીક રજૂઆતો કરી હતી. જ્યારે બીજી તરફ રસ્તે રખડતી ગાયો સામે કાર્યવાહી કચરવામાં આવશે જ તેવી સ્પષ્ટ સૂચના સાથે બાકી રહેલી ગાયોનું ટેગિંગ કરાવી લેવા જણાવ્યું હતું.શહેર ભાજપા કાર્યાલય ખાતે મેયર, સાંસદ અને શહેર ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં શહેરને રસ્તે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે ગોપાલકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ગોપાલકોએ વસાહત સાથે પશુઓની વ્યવસ્થા કરવા સહિત વિવિધ રજૂઆત કરી હોવાનું, જ્યારે શહેરની આસપાસ ચાર ઝોનમાં પશુઓ માટે પ્લોટ, ફેન્સિંગ અને પાણીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી અપાશે તેમ જણાવ્યું હોવાનું જાણવા મળે છે. પાલિકા દ્વારા બાકી રહેલા ઢોરોના ટેગિંગ માટે રોડમેપ બનાવ્યો છે. ત્યારે ત્વરિત પશુઓને ટેગિંગ કરાવી લેવા જણાવ્યું હતું. ગોપાલકોએ તેમની માગણીઓની લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.