વડોદરા, તા.૧

વારંવાર વિવાદોમાં આવતા માંજલપુર પોલીસ મથકની હદમાં પાણીગેટ પોલીસની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. મહત્ત્વની વાત તો એ છે કે માંજલપુર પોલીસ મથકની હદમાં દરોડો પાણીગેટ પોલીસે પાડયા બાદ આ મામલાની તપાસ મકરપુરા પોલીસ મથકના પીઆઈને સોંપવામાં આવતાં માંજલપુર પોલીસની ગુનાહિત બેદરકારીમાં ઉચ્ચ અધિકારી દ્વારા કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે એવી ચર્ચાએ પોલીસબેડામાં જાેર પકડયું છે. ચૂંટણીઓને કારણે શહેરમાં વિદેશી દારૂનું વેચાણ બંધ કરી દેવાયું હોવાની પોલીસની વાતનો છેદ ઉડાવી દેતી આ ઘટનાની વિગત એવી છે કે ડીસીપી ઝોન-૩ ડો. કિરણ રાજ વાઘેલાને બાતમી મળી હતી કે માંજલપુર અલવાનાકા પાસે આવેલા શાક માર્કેટ નજીકના સાંઈબાબા મંદિરની બાજુમાં આવેલ પતરાના દરવાજાવાળા ગોડાઉનમાં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો નથ્થુભાઈ રામજીભાઈ ભાલિયા અને ભીખાભાઈ રામજીભાઈ ભાલિયા બંને રહેવાસી ઃ વડસર ગામે ભાગીદારીમાં વેચાણ માટે સંતાડી રાખ્યો છે. આ અંગે બાતમી મળતાં જ પરિસ્થિતિ સમજી ચૂકેલા ડીસીપી વાઘેલાએ પાણીગેટ પોલીસની ટીમને ઉપરોક્ત સ્થળે દરોડો પાડવાની સૂચના આપતાં પાણીગેટ પોલીસ મથકના પીએસઆઈ ગોહિલ અને હે.કો. અરવિંદ બોરસેની ટીમે ગોડાઉન ઉપર દરોડો પાડતાં કોરુગેટેડ ડ્રમમાં સંતાડી રાખેલ ૧૦૪ પેટી દારૂ કાચની બોટલ ૭૫૦ મિ.લિ. અને ૧૮૦ મિ.લિ.ની કુલ બોટલ નંગ ૧૬૭૮ કિંમત રૂા.૪.૯૫ લાખ અને જુદી જુદી બ્રાન્ડના પ૦૦ મિ.લિ.ના બિયર ટીન નંગ-૧૨૮૨ કિંમત રૂા.૧.૨૮ લાખ કુલ ૬.૨૩ લાખનો મુદ્‌ામાલ કબજે કરી ગોડાઉનના માલિક દિલીપ મારવાડી, નથ્થુભાઈ રામજીભાઈ ભાલિયા અને ભીખાભાઈ રામજીભાઈ ભાલિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા, જ્યારે આ અંગેની તપાસ મકરપુરા પોલીસ મથકના પીઆઈ પટેલને સોંપવામાં આવી છે.