અરવલ્લી,તા.૨૨ 

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એકાએક વધ્યું છે. મોડાસા શહેરમાં લોકલ સંક્રમણની દહેશત વચ્ચે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં નોંધાયેલા ૧૯૩ પોઝીટીવ કેસ પૈકી માત્ર મોડાસા નગરમાં જ દર્દીઓનો આંક ૮૯ દર્દીઓ સુધી પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫ દર્દીઓના મોત નિપજ્યા છે. શહેરમાં રોકેટ ગતિએ વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે જાગૃત નાગરિકોએ બજારોમાં માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસટન્સ જાળવવા જનજાગૃતિ ફેલાવતા બેનર સાથે રેલી યોજી વેપારીઓ અને ફેરિયાઓને ધંધા રોજગારનો સમય સવારે ૭ થી બપોરે બે વાગ્યા સુધી સ્વયંભૂ બંધ રાખવા વિનંતી કરી હતી. મોડાસા શહેરમાં કોરોના બેકાબુ બનતા રવિવારે કેમિસ્ટ એસો,હાર્ડવેર , ફર્નિચર, મોબાઈલ, હેર સલુન, રેડીમેડ ક્લોથ, કસ્બા જમાતના વિસ્તારના વેપારીઓએ બપોરે ત્રણ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. બપોરે મોડાસા શહેરમાં વધુ એકવાર સ્વયંભૂ વેપારીઓના બંધથી લોકડાઉનની અસર જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સાતથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતુ હોઇ અને માસ્ક ન પહેતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સ્મીશન થઇ રહ્યું હોય તેમ સતત કોરોનામાં શહેરીજનો સપડાતા નગરના જાગૃત નાગરિકો દ્વારા શહેરમાં બેનરો સાથે જનજાગૃતિ રેલી યોજી વેપારીઓ અને શાકભાજી, ફ્રૂટ, પાનપાર્લર સહિતના વેપારીઓને સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવા અપીલ કરી હતી. જેમાં ફેરિયાઓએ બપોરે બે વાગ્યા પછી રોડ પર ન ઉભા રહેવા, માસ્ક ફરજીયાત પહેરવા અને ગ્રાહકોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે અંગે વિનંતી કરી હતી. આ જનજાગૃતિ અભિયાનમાં સામાજિક કાર્યકર સુરેન્દ્ર શાહ, ભગીરથ કુમાવત સહીત અન્ય નાગરિકો મોટી સંખ્યામાંજોડાયા હતા.

૨૨થી ૩૦મી સુધી ૩ વાગ્યા પછી બજાર બંધ રહેશે

મોડાસા શહેરમાં કોરોનાના વધતા પોઝિટિવ કેસને કારણે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બપોરે ૩ વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. મોડાસામાં કોરોના પોઝિટિવ કેસ નો રાફડો ફાટયો હોય તેમ રોજેરોજ નવા કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે.સાવચેતીના પગલાંરૂપે બજાર બપોર પછી બંધ રાખવાનો નિર્ણય ખુબ જ યોગ્ય ગણાઈ રહ્યો છે.