વડોદરા : ડ્રેનેજ સાફ કરવા માટે ખોલેલા ગટરનાં ઢાંકણાં બંધ કરવાની પાલિકાના કોન્ટ્રાકટરે દાખવેલી બેદરકારીને કારણે નાઈટ ડયૂટી ઉપર જઈ રહેલા મધ્યમવર્ગીય સિકયુરિટી જવાનનો ભોગ લેવાયો હતો. રાત્રિ કરફયૂને કારણે ઈજાગ્રસ્ત જવાનની મદદે કોઈ નહીં આવતાં સારવાર માટે તેમને લઈ જવામાં વિલંબ થયો હતો. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સુભાનપુરા-હાઈટેન્શન રોડ પાસે આવેલ સંતોષીનગરમાં રહેતા પ્રવીણ નારાયણભાઈ ચૌહાણ (ઉં.વ.૪પ) રણોલી ખાતે આવેલ સારાભાઈ કંપનીમાં સિકયુરિટી જવાન તરીકે નાઈટ ડયૂટીમાં નોકરી કરતા હતા. તેઓ ગઈકાલે રાત્રિના સમયે પોણા અગિયાર વાગ્યાની આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. રાત્રિના અગિયાર વાગે કરફયૂનો સમય હોવાથી રોડ ઉપર લોકોની અવરજવર બંધ હતી. રોડ વચ્ચે આવેલી ડ્રેનેજની લાઈન પ્રિ-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે પાલિકાના કોન્ટ્રાકટરે ગટર સાફ કરવા માટે ઢાંકણાં ખોલ્યાં હતાં, જે ગટરનાં ઢાંકણાં ગટર સાફ કર્યા બાદ ઢાંકણાં બંધ કરવાની તેમજ ખૂલ્લી ગટર પાસે આડાશ મુકવા માટેની ગંભીર બેદરકારી દાખવી હતી, જે બેદરકારીને કારણે સિકયુરિટી જવાન પ્રવીણભાઈ ચૌહાણ ભોગ બન્યા હતા. રોડ વચ્ચે ગટરનું ઢાંકણું ખૂલ્લું રાખવાથી રાત્રિના સમયે પ્રવીણભાઈ ચૌહાણ બાઈક સાથે ગટરમાં પટકાતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓના કારણે તેઓ પીડાતા હતા. રાત્રિ કરફયૂના કારણે રોડ ઉપર લોકોની અવરજવર બંધ હોવાથી કોઈ તેમની મદદે આવ્યું ન હતું. જાે કે, તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.