શ્રીનગર-

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લાના રાવલપોરા વિસ્તારમાં આતંકીઓ સાથે ગઈ કાલ સાંજથી ચાલુ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાના ખબર છે. જેમાંથી એક આતંકીને ઠાર કરાયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે એક આતંકીનો ખાતમો થયો છે અને સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે.

ભારતીય સુરક્ષાદળોને શોપિયા જિલ્લાના રાવલપોરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મીર પોલીસની મદદથી વિસ્તારમાં ઘેરાબંધી કરી. સુરક્ષાદળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

જમ્મુ અને કાશ્મીરમાં લગભગ ૨૦૦ આતંકીઓ સક્રિય

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીર ડીજીપી દિલબાગ સિંહે આ અગાઉ આતંકીઓ વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લગભગ ૨૦૦ આતંકીઓ સક્રિય છે અને ગુપ્ત સૂચના મુજબ સરહદ પાર સ્થિત આતંકવાદી ઠેકાણાઓથી અન્ય ૨૫૦ જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાન તરફ ઈશારો કરતા દિલબાગ સિંહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં અશાંતિ પેદા કરવાના પાડોષી દેશના નાપાક મનસૂબાઓને નિષ્ફળ કરવા માટે સુરક્ષાદળ સંપૂર્ણ રીતે સતર્ક અને તૈયાર છે.