18, જાન્યુઆરી 2021
અમદાવાદ-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નરોડા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન સ્થાનિક લોકો અને AMC અધિકારીઓ વચ્ચે બબાલ થઈ હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને મામલો શાંત કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નરોડા વિસ્તારના સંતોષીનગર પાસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીગીર દરમિયાન સંતોષીનગર પાસે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા TP રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. TP 1નો 9.14 મીટરનો રસ્તો ખોલાવવા રહેણાંક, કોમર્શિયલ અને ધાર્મિક મળી કુલ 100થી વધુ યુનિટ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રસ્તા પર આવેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવી રહ્યા હતા. AMC દ્વારા રસ્તા વચ્ચે આવેલા મંદિર અને સમાધિનું બાંધકામ દૂર કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇે AMC અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ સર્જાઈ હતી. પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. જો કે, અસરગ્રસ્તોને તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાય પણ આપવામાં આવી હતી.