અમદાવાદ-

આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન બેઠક યોજાશે. આ ચિંતન બેઠક 12 ડિસેમ્બર, શનિવારે સાંજથી શરૂ થશે. આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વર્તમાનમાં સમગ્ર ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ અને શહેરો માટે ભાજપની પેજ કમિટીઓ અને નવા સંગઠન માલખાનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત ગુજરાતના મોટા શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નજીકમાં છે. બીજી તરફ અમદાવાદ શહેરનું સંગઠન માળખું જાહેર કરવાનું બાકી છે, ત્યારે આ મુદ્દાઓને લઈને રાજ્યના ભાજપના ઉચ્ચ મોવડી મંડળમાં ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ કોરોના વાઇરસના વધતા સંક્રમણને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. જેમાં ચિંતન બેઠક પણ રદ કરવામાં આવી હતી.