હાલોલ, હાલોલ શહેરની નવી શાક માર્કેટ નજીક આવેલ અનુપમ સોસાયટીના વર્ષોથી બંધ પડી રહેલ મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી મહિલાનો મૃતદેહ મળતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાનું પગેરૂં મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. અનુપમ સોસાયટીમાં કનૈયાલાલ જયંતિલાલ પરીખ ના વર્ષોથી બંધ પડી રહેલા મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાં પાછલાં પાંચેક વર્ષથી મુળ હાલોલ તાલુકાના ઝાંખરીયા ગામ ના પાટા ફળીયાના રહેવાસી ચંચીબેન કાળુભાઈ રાઠવા ઉંવર્ષ ૪૫ એકલા રહેતા હતા ને મકાનની દેખરેખ રાખતા હતા ને નજીકની સોસાયટીઓમાં રહેતા રહીસોને ત્યાં ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે તેમના પતિ સહિત બધા પરિવારજનો ઝાંખરીયા રહેતા હતા. જ્યારે ઘણા દિવસોથી ચંચીબેન જે ઓરડામાં રહેતાં હતાં, ત્યાં બહારથી તાળુ મારેલ હતું, ને તેમાંથી માથું ફાડી નાંખે તેવી અતિશય દુર્ગંધ આવતા, કમ્પાઉન્ડ ને અડીને કટલરીનો ધંધો કરતા બેન દ્વારા ગુરૂવારના રોજ ત્યાંથી કામ પર જઈ રહેલા ચંચીબેનના દિકરા મનોજભાઈ ને રોકી જાણ કરેલ હતી. મનોજભાઈ તેમની માતા ચંચીબેન જે ઓરડીમાં રહેતા હતા ત્યાં ગયો હતો, ત્યારે ઓરડીને બહારથી તાળું મારેલ હતું ને તેમાંથી ભારે દુર્ગંધ મારતી હતી.