વડોદરા : તરસાલી વિસ્તારમાં પાડોશમાં રહેતા પોલીસ જવાનના ધાબા પર ચઢીને મહિલાના વસ્ત્રો પહેરીને આંટાફેરા મારતા યુવકને પોલીસ જવાને પડકારતા જ યુવકે ભાગવા માટે બીજામાળેથી નીચે છલાંગ લગાવી હતી. ઉંચાઈ પરથી પટકાયેલો યુવક બેભાન થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તરસાલી વિસ્તારની કમલાપાર્ક સોસાયટીમાં રહેતા પોલીસ જવાન દિલીપ સુધાકર પાઠક ગત રાત્રે ગરમીથી કંટાળીને ધાબા પર સુવા માટે ગયા હતા. મોડી રાત્રે તે બાથરૂમમાં જઈને ધાબા પર પરત આવતા જ તેમણે પોતાના ધાબા પર વિચિત્ર પહેરવેશવાળો અજાણ્યા યુવકને આંટાફેરા મારતા જાેતા જ તેને પડકાર ફેંક્યો હતો. આ પડકારના પગલે યુવકે ભાગવા માટે બીજામાળેથી સીધી નીચે છલાંગ લગાવી હતી જેમાં તે માથા પર પટકાતા બેભાન થયો હતો. આ બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલાના કપડા- આંતરવસ્ત્રો પહેરેલા અજાણ્યા યુવકને બેભાનવસ્થામાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આ યુવક મુળ ઉત્તરાખંડનો વતની ૨૫ વર્ષીય વિરેન્દ્ર હિરારામ કુમાર હોવાની તેમજ તે હાલમાં મકરપુરાની એક હોટલમાં નોકરી કરી દિલીપ પાઠકની બાજુમાં આવેલી આશીષપાર્ક સોસાયટીના એક મકાનમાં સાથી કર્મચારીઓ સાથે ભાડે રહેતો હોવાની જાણ થઈ હતી. વિરેન્દ્ર મોડી રાત્રે દિલીપભાઈના બાજુમાં આવેલા મકાનના દાદર વાટે ઉપર આવ્યા બાદ આ મકાનના બીજામાળે વોશીંગ મશીનમાં મુકેલા કપડામાંથી યુવતીનું ટોપ અને આંતરવસ્ત્રો કાઢીને પહેર્યા બાદ દિલીપભાઈના ધાબા પર આવ્યો હોવાની વિગતો મળી હતી. જાેકે તેણે મહિલાના કપડા કેમ પહેરેલા અને ધાબા પર આવવાનો શું ઈરાદો હતો તેની વિગતો તે ભાનમાં આવ્યા બાદ જાણવા મળશે. મકરપુરા પોલીસે હાલમાં જાણવાજાેગ નોંધ લઈ વિરેન્દ્રને વધુ સારવાર માટે આવતીકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે.