ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે અરવિંદ કેજરીવાલ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં હાજર રહેશે. જાે કે આ સંમેલનની સૌથી મોટી બાબત એ છે કે, ‘આપ’ના અરવિંદ કેજરીવાલની સાથે આદિવાસી પીઢ નેતા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંસ્થાપક છોટુ વસાવા ઉપસ્થિત રહેશે. અને બંને નેતાઓ એક જ મંચ પરથી આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધન કરશે તેમ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી-આપ અને બારતીય ટ્રાઈબલ પાર્ટી -બીટીપી વચ્ચે ગઠબંધનના તાર જાેડાઈ રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ અને બીટીપી બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. જેના અનુસંધાનમાં બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટી -’આપ’ના કાર્યાલય પહોંચ્યા હતા. ‘આપ’ ગુજરાતના પ્રદેશ કાર્યાલય ખાતે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને મહેશ વસાવાએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીટીપી અને ‘આપ’ કેવી રીતે સાથે રહીને લોકોના મુદ્દા રજૂ કરશે? તે અંગેની વિગતો આપી હતી.

ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળની તમામ સરકારો કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વર્ષો સુધી સત્તા પાર આવતી રહી છે. પરંતુ આદિવાસીઓના પાયાના પ્રશ્નોને વાચા મળી નથી. જેમાં શિક્ષણ, રોજગાર અને જળ, જમીન કે પછી જંગલ હોય.આજે પણ તેમના પ્રશ્નો ઠેરના ઠેર છે. આ તમામ પ્રશ્નોને લઈને આદિવાસી સમાજ લાચાર બન્યો છે. ત્યારે આ સંજાેગોમાં એક નવી દિશામાં આગળ વધીને આદિવાસીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તર પર વાચા મળે, તેના ઉપર ચર્ચા થાય તેવા પ્રયાસોથી બીટીપીના પીઢ નેતા છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા સાથે ચર્ચા થઈ હતી.

જ્યારે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ જાેયું છે. દિલ્હીમાં રોજગારીની વાત, પાણીની વાત અને શિક્ષણ વિશે જાણ્યું છે. અમે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે મળ્યા છીએ. ગુજરાતની ભાજપ સરકારે શાળાઓ બંધ કરીને આદિવાસી સમાજને નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસ પણ લોકશાહી બચાવવા આંદોલન કરે છે.