અમદાવાદ-

રાજ્યના એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે પદનો દુરુપયોગ કરીને આવક કરતાં 120 ટકા વધુ મિલકતો અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમની પાસેથી રૂ. 30 કરોડ કરતાં વધુની મિલકતનો કેસ નોંધાયો છે. રાજ્યની ACBની તપાસમાં તેમના 30 જેટલા બેન્ક એકાઉન્ટ, ત્રણ ફ્લેટ, બે બંગલા, 11 દુકાનો, એક ઓફિસ, બે પ્લોટ, 11 લક્ઝુરિયસ ગાડીઓ હોવાનું જણાયું છે.

રાજ્યના ACBના ઇતિહાસમાં કોઈ નિવૃત્ત કર્મચારી સામે કરેલી તપાસમાં આ સૌથી મોટી રકમનો ભ્રષ્ટાચાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસે રૂ. 30,47,05,459ની કિંમતની સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. ACBની ટીમને એક બેનામી અરજી મળી હતી, જેમાં નિવૃત્ત નાયબ કર્મચારીએ કરોડો રૂપિયાની પડાવેલી જમીન, મકાનો, દુકાનો, કારો પરિવારજનોને નામે ખરીદી હોવાની માહિતી હતી. ACBની પ્રાથમિક તપાસમાં વિરમ દેસાઈ, તેમના પત્નીની મિલકતો સંબંધી દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. જેમાં તેમની કાયદેસરની આવક કરતાં ગેરકાયદે રીતે તેમની પાસે 122.39 ટકા અપ્રમાણસરની સંપત્તિ હોવાનું જણાયં હતું. તેમના પરિવારના સભ્યોના બેન્ક એકાઉન્ટમાં 4.61 કરોડના વિદેશી હૂંડિયામણ સ્વરૂપે વિદેશમાં મૂડીરોકાણ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ACBએ ફરિયાદી બનીને વિરમ દેસાઈ અને અન્ય છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.