ACBનો સપાટો: પોલીસ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતા ઝડપાયો , પોલીસ બેડામાં ખળભળાટ
01, જાન્યુઆરી 2021

આણંદ-

ગુજરાત રાજ્યના આણંદમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં આણંદમાં પોલીસ કર્મી અંદાજે 50 લાખની રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો છે. લાંચમાં પોલીસ કર્મચારી ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના આણંદ, ખેડા અને અમદાવાદ ACBએ સંયુક્તપણે છટકું ગોઠવ્યું હતું. આ બાતમીના આધારે છઠકું ગોઠવીને પ્રકાશસિંહ રાઓલ નામના હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

નવા વર્ષની શરૂઆત લાંચિયાઓ પર તવાઈ બોલાવવાની એસીબીએ મોટી શરૂઆત કરીને શ્રી ગણેશ કર્યા હોય તેમ લાગે છે, ACB ટીમે એક કોન્સ્ટેબલને રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપી પાડતા રાજ્યભરના પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે, અમદાવાદ R.R.સેલે નકલી ખાતરનો જે જથ્થો પકડ્યો હતો તેમાં ફરિયાદીનાં પિતાને આરોપી નહીં બતાવવા માટે કોન્સ્ટેબલે રૂ.60 લાખની માગી હતી લાંચ જે બાદ રૂ.50 લાખની લાંચ લેતા પો.કોન્સ્ટેબલ પ્રકાશસિંહ આણંદનાં આઇસક્રીમ પાર્લર પર ઝડપાઈ જવા પામ્યો છે, આ કાર્યવાહી ત્રણ જિલ્લાની ACB ટીમ દ્વારા કરવામાં આવી હતી, જો કે આટલા મોટા લાંચકેસમાં માત્ર કોન્સ્ટેબલની સંડોવણી જ નહિ પરંતુ કોઈ ઉચ્ચઅધિકારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ.? તે અંગે પણ હવે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution