નડિયાદ : અક્ષરધામ તુલ્ય વડતાલધામમાં આજે પ્રબોધિની એકાદશીના શુભદિને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૧૬ પાર્ષદોને પૂ.સદ્‌.ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષા આપી હતી. પૂ.મહારાજશ્રીએ ગાદીએ આરૂઢ થયાં બાદ કુલ ૬૯૩ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી સંપ્રદાયને સંતોની ભેટ આપી હતી. વડતાલ મંદિરના આસિ.કોઠારી ર્ડા.સંતસ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી હરિએ પ્રબોધિની અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની પોતાના આશ્રિતો-હરિભક્તોને આજ્ઞા કરી છે. આજે પ્રબોધિની એકાદશીના શુભદિને પૂ.ગોપાળાનંદ સ્વામીના આસને જુનાગઢ-ગઢડા અને વડતાલના પાર્ષદોને ભાગવતી દિક્ષા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. વડતાલમાં શણગાર આરતી બાદ પૂ.ગોપાળાનંદ સ્વામીના આસને દિક્ષાર્થી પાર્ષદોને પૂજામાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌ પાર્ષદોના ગુરૂઓની ઉસ્થિતિમાં મહારાજશ્રીએ કંઠી,માળા, તિલક-ચાંદલો અને સંતના વસ્ત્રો અર્પણ કરી પાર્ષદોના કાનમાં ગુરૂમંત્ર આપી ભાગવતી દિક્ષા આપી હતી. નવા સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા, સ્વામિનારાયણ મહામંત્રને પાંદડે-પાંદડે સંધી પહોંચાડવા અને સત્સંગના વિકાસ કાર્યને વેગવંતુ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી સ્વામી, જુનાગઢ મંદિરના કોઠારી પ્રેમ સ્વામી, ગઢડા (ઘેલા કાંઠા)ના ભક્તિપ્રિય સ્વામી, રઘુમુની મહારાજ પંચાયતી અખાડા તેમજ સંતો મહંતો સહિત દિક્ષાર્થી પાર્ષદોના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આજે પૂ.રાકેશપ્રસાદજી મહારાજે વડતાલના - પ, જુનાગઢના - ૮ અને ગઢડાના - ૩ પાર્ષદો મળી ૧૬ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. પૂ.મહારાજશ્રી ગાદીએ આરૂઢ થયાં બાદ કુલ ૬૯૩ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી, જેમાં વડતાલના - ૩પપ, જુનાગઢના -ર૯૩, ગઢડાના - ૩૯ અને ધોલેરાના - ૬ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. દિક્ષા વિધિ બાદ નવા સંતો સાથે આચાર્ય મહારાજશ્રી મંદિરમાં દર્શનાર્થે પધાર્યા હતા. જ્યાં સંતોએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રીહરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોના દર્શન કરી દંડવત કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.