રાજકોટ-

દિલ્હીથી રાજકોટ આવી દીવ ત્રણ દિવસ સતાવાર પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરિવાર આજે પ્રવાસ પૂર્ણ કરી બપોરે 11-55 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજકોટ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ હેલિકોપ્ટરમાંથી ઉતરીને બિઝનેસ બોઇંગ વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિના બપોરના લંચની વ્યવસ્થા એર ઇન્ડીયા દ્વારા કરવામા આવી હતી અને તેમને ઓનબોર્ડ લંચ પીરસવામાં આવ્યું હોવાનું એરપોર્ટ ર્ઓેથોરીટીના સુત્રોએ જણાવ્યું હતું.

ગત શુક્રવારે દિલ્હીથી રાજકોટ રાષ્ટ્રપતિ પરિવારજનો સાથે આવ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયા બાદ રાષ્ટ્રપતિ પરિવાર તેમના ત્રણ દિવસના દીવ ખાતેના સતાવાર કાર્યક્રમ માટે હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા. પાંચ હેલિકોપ્ટર દ્વારા રાષ્ટ્રપતિ પરિવાર દીવ પહોંચ્યા હતા. દીવના ત્રણ દિવસના સતાવાર કાર્યક્રમ મુજબ રાષ્ટ્રપતિએ જલંધર બીચ ખાતેના સરકીટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું. દરિયાકાંઠે બિરાજતા ગંગેશ્ર્વર મહાદેવના મંદિરે પૂજન અર્ચન કર્યા હતા. સાથોસાથ દીવની ગુફા અને દીવના કિલ્લા ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન કર્યું હતું. ગઇકાલે રાષ્ટ્રપતિએ ઘોઘલા બીચ ખાતેના રમણીય દરિયા સૌંદર્ય નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીવનો ઘોઘલા બ્લુ ફલેગ બીચ સહેલાણીઓમાં ખુબ જ આકર્ષણ ધરાવે છે. તેમને ગઇકાલે આદર્શ સ્મારક અને દીવના કિલ્લાની પણ મુલાકાત લઇ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. ત્યારબાદ કિલ્લા ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.