24, ડિસેમ્બર 2020
હાલોલ, ઘોઘંબા તાલુકાનો વધુ પડતો વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી, જંગલને અડીને આવેલા અંતરિયાળ ગામો ગોયાસુંડલ, કાટાવેડા, જાંબુવાણીયા, પીપળીયામાં ૧૫ દિવસથી આદમખોર દીપડાઓનો આતંક ખુબ જ વધી ગયો હતો. આદમખોર દીપડાઓ દ્વારા ધોળે દહાડે બે માસુમ બાળકોનો શિકાર કરતા તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે બે થી ત્રણ વ્યક્તિઓ પર હુમલા કરી ઈજાગ્રસ્ત કર્યા હતા.. જેથી તાલુકાના લોકો દ્વારા આદમખોર દીપડાઓને પાંજરે પુરવાની ઉગ્ર માંગણી કરતાં, જીલ્લા વનવિભાગ ને સ્થાનિક વન વિભાગ હરકતમાં આવી ગયું હતું.
તેઓ દ્વારા સુરતના માંડવી વન વિભાગના ૭ એક્સપર્ટને દેવગઢ બારીયા વન વિભાગના સ્ટાફની મદદથી દીપડાનો આતંક જે ગામોમાં હતો, ત્યાં દીપડાના આવવાના જંગલના રસ્તાઓ પર સર્ચ કેમેરા લગાવી પાંજરા મુકવામાં આવ્યા હતા. જેમાં ગત રોજ મોડી સાંજે ૧૩ દિવસ ઉપરાંતની ભારે જહેમત બાદ ગોયાસુંડલ ગામના તળાવ પાસે મુકેલા પાંજરામાં દીપડો આબાદ પુરાઈ ગયો હતો. જેને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડાને ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે બુધવારના રોજ સવારે ગોયાસુંડલ ગામ નજીક આવેલ કાંટાવેડા ગામમાં મુકવામાં આવેલ પાંજરામાં પણ એક દીપડો પુરાયો હતો, જેની જાણ થતાં દીપડાને જાેવા ભારે લોકટોળા ઉમટી પડ્યા હતા. કાંટાવેડા ગામમાંથી પણ દીપડાએ માસુમ બાળકનો શિકાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે બે દિવસમાં પંથકમાંથી બે દીપડા પકડાઈ જતાં લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.