રાજકોટ-

વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ કરતા વધુ સમયની વાર છે. ત્યારે અત્યારથી જ જ્ઞાતિવાદનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. ખોડલધામમાં પાટીદારોની મળેલી બેઠકમાં પાટીદાર આગેવાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જાેઇએ. આ નિવેદનને લઇને ગુજરાતના અલગ અલગ સમાજ હવે મેદાને આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરાઇ હતી કે, મુખ્યમંત્રી ક્ષત્રિય સમાજના હોવા જાેઇએ. ત્યારે આજે કોળી-ઠાકોર સમાજની રાજકોટમાં બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર અને કોળી સમાજના બનાવવા માંગ ઉઠી છે. અમિત ચાવડા, કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોર સહિત રાજકીય આગેવાનોમાંથી એકને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠી છે.

કોળી-ઠાકોર સમાજની મળેલી બેઠકનો વીડિયો સામે આવ્યો છે. કોળી-ઠાકોર સેનાના રાજકોટ શહેર પ્રમુખ રણછોડભાઈ ઉધરેજાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરષોત્તમ સોલંકી, દેવજી ફતેપરા, પુંજા વંશ, મહેન્દ્ર મુંજપરા, જુગલજી ઠાકોર, રાજેશ ચુડાસમા, વિમલ ચુડાસમા, ઋત્વિક મકવાણા, હીરાભાઇ સોલંકી, ગેનીબેન ઠાકોર, પરષોત્તમ સાબારીયા, ભરતસિંહ ડાભી, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઠાકોરમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવા જાેઇએ. વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૨૨માં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઇને અમે કોળી-ઠાકોર સમાજ સંગઠન બનાવી રહ્યા છીએ. અમારો સમાજ મોટામાં મોટો સમાજ છે. મંત્રીમંડળમાં અમારા સમાજને ક્યાંય લેવામાં નથી આવતા. અમારો સમાજ કચડાયેલો અને વિકાસથી વંચિત છે. અમારા સમાજ સાથે ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. આવનારા સમયમાં અમારા સમાજના વધારેમાં વધારે નેતા બને તેવી અમારી માંગ છે.