ગાંધીનગર, હિંમતનગર, રામ નવમીના દિવસે રાજયના હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન બનેલી ઘટનાઓ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા રવિવારે મધ્ય રાત્રીના ગૃહ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં હિંમતનગર અને ખંભાતમાં બનેલી ઘટના અંગે અને ત્યારબાદની પરિસ્થિતિ અંગેનો રિવ્યુ લેવાયો હતો. એટલું જ નહીં, હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરીને કેટલાક લોકોની અટકાયત કરાઈ છે. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ તહેનાત કરી છે. તો ખંભાતમાં પણ રાયોટિંગના ગુના દાખલ કરીને ડીઆઈજી કક્ષાના અધિકારીને તહેનાત કરીને જરૂરી પગલાં લેવાની સૂચના આપી હોવાનું રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામ નવમીના પર્વે રામલલાની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને આગચંપીના બનાવો બન્યા હતા. જેમાં ખંભાતમાં પથ્થરમારામાં ઈજા પહોંચતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોરબંદર અને દ્વારકા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેના કાર્યક્રમમાં જાેડાયેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ગાંધીનગર આવીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ બોલાવાયા હતા.આ બેઠકમાં દિવસ દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં બનેલી ઘટના અને તેની પરિસ્થિતિ અંગેનો રિવ્યુ મેળવ્યો હતો. આ અંગે રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંમતનગરમાં બનેલી ઘટના અંગે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. તેમજ હાલમાં ૩૦ જેટલી વ્યક્તિની અટકાયત કરાઈ છે. હિંમતનગરમાં બે આઈજી અને ચાર એસપી કક્ષાના અધિકારીઓ સહીત ૧૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને તહેનાત કરાયા છે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સની બે કંપનીને પણ હિંમતનગરમાં મોકલી અપાઈ છે. ડીજીપી ભાટીયાએ વધુમાં જણાયું હતું કે, ખંભાતમાં બનેલી ઘટના અંગે રાયોટિંગના બે ગુનાઓ દાખલ કરાયા છે. ખંભાતમાં પણ ડીઆઈજી કક્ષાના અધિકારીને તહેનાત કરાયા છે. ખંભાતમાં એક વ્યક્તિના મોત અંગે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.

રામનવમીના દિવસે થયેલા તોફાનોમાં ૩૦થી વધુની ધરપકડ

રવિવારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં રામનવમીની ઉજવણી થઈ હતી. આ દરમિયાન ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હિંમતનગર અને ખંભાતમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર કેટલાંક અસમાજીક તત્વોએ ભારે પથ્થમારો કર્યો હતો. હિંમતનગરમાં પથ્થરમારા બાદ બીજા દિવસે એટલે કે આજે અજંપાભરી શાંતિ જાેવા મળી રહી છે. આ પથ્થરમારો અને હિંસા ફેલાવવાના મામલે પોલીસે ૩૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવશે. પોલીસ પર થયેલા હુમલાને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. રેન્જ ૈંય્ અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, તમામ પુરાવાઓનું એનાલિસીસ કરીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ જ છે.

હિંમતનગરની ઘટનામાં ધારાસભ્યસામે આક્ષેપ કરતો વીડિયો વાયરલ

રામનવમીના પાવન દિવસે હિંમતનગર અને ખંભાતમાં રામ લલાની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. જેમાં હિંમતનગરની ઘટના અંગે ક્ષત્રિય સમાજના અગ્રણી અને એક પૂર્વ પ્રાધ્યાપક દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે હિંમતનગરની ઘટના અંગેનો ચિતાર આપ્યો છે. આ સાત મિનિટ અને સાત સેકન્ડના વીડિયોમાં આ સમગ્ર ઘટના માટે ભાજપના સ્થાનિક ધારાસભ્યનું નામ લઈને આક્ષેપ કરાયો છે. જેમાં તેમણે એવું કહ્યું છે કે, કેટલાક લોકો સમાજના યુવાનોને દારૂના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે. અને તેમની આ બાબતનો ગેરલાભ ઉઠાવીને આવી ઘટનાઓ કરવામાં આવી રહી છે.