અમદાવાદ-

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ગંભીર ઘટના બની હતી. જે મુજબ બે પોલીસ કર્મચારીઓને ઉશ્કેરાયેલા ટોળા દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ બનાવનો વીડિયો સામે આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની સામે પણ ગુનો નોંધ્યો છે વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, રાત્રી દરમિયાન પોલીસ કર્મચારીઓ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થયુ હતું. એકઠા થયેલા લોકોમાંથી કેટલાક લોકોએ આ પોલીસકર્મીને લાકડી અને પાઈપ વડે ખૂબ માર માર્યો હતો. પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ બનાવ સોલા પોલીસ મથકના ચાંદખેડા વિસ્તારમાં બન્યો છે. વીડિયોમાં જે પોલીસ કર્મચારીઓ દેખાય રહ્યા છે તે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ સુનીલ ચૌહાણ હોવાનું જાણવા મળે છે. સોલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલની ફરિયાદ પરથી માર માર્યા બાબતની નામ જોગ 5 શખ્સ તથા અન્ય ટોળા વિરુદ્ધમાં આઈપીસી 323, 324, 325, 143, 147, 148, 149, 294 (ખ) તથા જીપીએ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ 6 લોકોની અટકાયત કરી અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમના વિરુદ્ધ પણ સોલા પોલીસે ગુનો દાખલ કરી અટકાયત કરી છે.