અમદાવાદ: હેવાન પતિ પત્નીને પ્રેગ્નેન્સીમાં ઢોર માર મારતો અને પછી..
09, માર્ચ 2021

અમદાવાદ-

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રવિવારે એક ૩૦ વર્ષની પરિણીતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાનો આક્ષેપ છે કે તેના પતિએ પ્રગ્નેન્સી દરમિયાન તેને જબરજસ્તી અબોર્શનની દવાઓ ખવડાવી દીધી, જેના કારણે લગ્ન જીવનના ૬ જેટલા વર્ષોમાં જ પાંચ વખત તેનું અબોર્શન થઈ ગયું. હાલમાં મહિલાને પોતાના પાંચમાં અબોર્શન બાદ તબિયત લથડતા અસારવાની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી. ઘટનાની વિગતો મુજબ, રમીલા (નામ બદલ્યું છે) નામની ૩૦ વર્ષીય મહિલાના ૨૦૧૪માં ધર્મેશ ચૌહાણ નામના સમાજના જ યુવક સાથે લગ્ન થયા હતા.

ફરિયાદ મુજબ, મહિલાના લગ્નના ૧૫મા દિવસથી જ પતિ તથા સાસરીયા તેને દહેજ ઓછું લાવી હોવાનું કહીને ત્રાસ આપવા લાગ્યા. વર્ષ ૨૦૧૬માં રમીલાએ એક બાળકીને જન્મ આપ્યો. આ બાદ તે ૨૦૧૭માં ફરી પ્રેગ્નેટ થઈ, પરંતુ પતિ બીજું સંતાન ન ઈચ્છતો હોવાના કારણે તેની સાથે જબરજસ્તી કરીને અબોર્શન કરાવ્યું. આ બાદ ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન તે ત્રણ વખત પ્રેગ્નેટ થઈ અને પતિએ તેને તમામ વખત અબોર્શન કરાવવા ફરજ પાડી. મહિલાના આરોપ મુજબ, બુધવારે ધર્મેશને બિઝનેસમાં નુકસાન થતા તેણે રમીલાને પિતાના ઘરેથી ૪૦ લાખ રૂપિયા લઈ આવવા કહ્યું. પત્નીએ આમ કરવાની ના પાડતા નરાધમ પતિએ પ્રેગ્નેટ હોવા છતાં તેને બેલ્ટ વડે માર માર્યો હતો. તે વખતે મહિલાના જેઠાણીના પિતાએ 'તું આને જાનથી મારી નાખ આપણે એને ઠેકાણે લગાવી દઈશુ' કહીને પતિને ઉશ્કેર્યો હતો. શુક્રવારે રાત્રિના ૯ વાગ્યે ધર્મેશ અને તેના સાસરીયા ઘરે આવ્યા હતા અને રમીલા કંઈ બોલે તે પહેલા તેને પકડી લીધી હતી અને ગર્ભપાતની ગોળી ખાવા મજબૂર કરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution