અમદાવાદ-

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને દિવાળી પહેલા મોટી સફળતા મળી છે. આનાથી અનેક ગુના થતા પહેરા જ અટકી ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આંતર રાજ્ય ચોરી કરતા ગેંગના ચાર લોકોને પકડી પાડ્યા છે. આ સાથે જ 50થી વધુ ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. આ ગેંગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. ગેંગમાં સામેલ શંકર નાયડુ, નાગરાજ નાયડુ, સંતોષ નાયડુ અને દિનેશ નાયડુ સામેલ છે.

આ તમામ લોકો મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી ધીરજ અને મેહુલભાઈને આ અંગે બાતમી મળી હતી. આ બાતમીને આધારે તમામ લોકોને કાલુપુર રેલવે સ્ટેશનની સામેથી પકડી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરી કરવાના સાધનો અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ લોકો મેલું અથવા ગંદુ નાખીને કોઈપણ વ્યક્તિની નજર ચૂકવીને ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ કોઈ પણ કાર પાર્ક કરેલી હોય તેની તેની આજુબાજુ રેકી કરતા હતા અને કારનો કાચ તોડી તેમાંથી સમાનની ચોરી કરી લેતા હતા. સાથે સાથ ગાડી આગળ ઓઇલ ઢોળીને કાર ચાલકને કહેતા હતા કે તમારા ગાડીમાંથી ઓઈલ ટપકે છે. આવું કહીને ગાડીના ડ્રાઇવરની નજર ચૂકવીને ચોરી કરી લેતા હતા. આ ઉપરાંત 10-10 રૂપિયાની નોટો નાખીને કાર ચાલકનું ધ્યાન ભટકાવી કારમાંથી ચોરી કરી લેતા હોવાનું સામે આવ્યું છે. આ ગેંગને નાયડુ અને તૈલી ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગેંગના તમામ લોકો પહેલા પકડાઈ ચુક્યા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસની તપાસમાં આ લોકોએ 41 ગુનાઓની કબૂલાત કરી છે. અલગ અલગ 15 પોલીસ સ્ટેશનમાં આ ગેંગ સામે ગુના દાખલ થયા છે.