અમદાવાદ: ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ ન આપતા લઘુમતી કાર્યકરોમાં રોષ
06, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

ભાજપે આ વખતે અમદાવાદમાં ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકોમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહીં આપતા પક્ષના લઘુમતી કાર્યકરોમાં રોષ ફેલાયો છે. સરખેજ, ગોમતીપુર, જમાલપુર વિસ્તારના કાર્યકરો વિરોધ દર્શાવવા ભાજપની ખાનપુર ઓફિસે પહોંચી ગયા હતા. નોંધનીય છે કે ભાજપે ૨૦૧૫ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૩ મુસ્લિમોને ટિકિટ આપી હતી. પરંતુ તે ત્રણેય ઉમેદવાર હારી ગયા હતા.

પરિણામે આ વખતે કોઇ પણ બેઠક પરથી ભાજપે મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખ્યા નથી. ગત વખતે મકતમપુરા, દાણીલિમડા અને જમાલપુરમાંથી ત્રણ મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. આ કાર્યકરોએ ટિકિટ નહીં આપો તો રાજીનામું આપી બીજી પાર્ટીમાં જાેડાવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે અમારો આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમએ સંપર્ક કર્યો છે. પાર્ટી કોઇ ર્નિણય નઇ લે તો અમે બીજી પાર્ટીમાંથી લડીશું.

મકતમપુરા સજ્જુલાલે દાવો કર્યો હતો કે ભાજપે તેને સામે ચાલીને ઉમેદવાર બનાવવાની ઓફર કરી હતી. જેને લઇ તેણે લાખો રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. ટિકિટ મળે તે પહેલાં જ તેણે કોઇ પણ પક્ષના નિશાન વિનાના મોટા-મોટા બેનરો લગાવડાવ્યા હતા.એટલું જ નહીં મકતમપુરાના ઘરેઘરમાં કચરાની ડોલ અને માસ્કનું વિતરણ કરાવ્યું હતું. છતાં તેને પણ ભાજપે લોલીપોપ પકડાવી દીધું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution