અમદાવાદ-

26 જુલાઈ 2008, આ દિવસ સમગ્ર અમદાવાદ માટે કાળો દિવસ બનીને રહેશે. સતત 70 મિનીટ સુધી 21 જેટલા બોમ્બ ધડાકાઓએ 56 લોકોનો જીવ લીધો હતો અને 200થી વધુને ઈજાગ્રસ્ત કર્યા હતા. બોમ્બ બ્લાસ્ટના ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક પછી એક બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાને ભલે 4745 દિવસો વીતી ગયા હોય, પરંતુ ઘટનાના ભણકારા આજે પણ તે સમયે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા પ્રત્યેક કર્મચારીના કાનમાં વાગી રહ્યા છે.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો એ ગોઝારો દિવસ કદાચ સૌ કોઈ ભૂલવા માંગે છે, પરંતુ એ દર્દનાક દિવસ સરળતાથી ભૂલી શકાય તેમ નથી. આપત્તીને બાજુમાં રાખીને ઝડપથી બેઠા થવાનો ગુજરાતનો સ્વભાવ છે. ગુજરાતના આ સ્વભાવનો પ્રભાવ સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે પણ આ દર્દનાક દિવસ લોકોના માનસમાં ઘર કરી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા તેમના સહકર્મીઓ અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 26 જુલાઈના રોજ અમદાવાદને હચમચાવી નાંખનારા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં ઈજા પામેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના દરેક તબીબ, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળતા જ ફરજ પર દોડી આવ્યા હતા, પરંતુ આતંકીઓએ ઈજાગ્રસ્તોની સારવાર કરનારાઓનું જ કાસળ કાઢવાનો કારસો ઘડ્યો હતો. શરૂઆતી બોમ્બ બ્લાસ્ટના અંદાજે 40 મિનીટ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં હોસ્પિટલમાં ડોક્ટર દંપત્તી, સ્ટાફના સભ્યો સહિત કુલ 39 લોકો માર્યા ગયા હતા.