12, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રૂપિયા 2000 ની 367 નકલી નોટ વટાવવા આવેલા બે શખ્સોને સરખેજ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા છે, તેઓને પોલીસ સ્ટેશને જઈને પૂછતા તે બંને જણા લક્ષ્મણ બેગડા અને કૃણાલ ઠક્કર રહેવાસી સરખેજનાં હોવાનું જણાવ્યુ છે, તેઓ પાસે રહેલા થેલામાંથી 367, રૂપિયા 2000 ની નકલી નોટો ઝડપાઈ હતી, જ્યારે પોલીસે તે નોટોને FSLમાં ચકાસણી માટે મોકલી ત્યારે બધી નકલી નોટોમાં કલર ક્વોલીટી એકદમ નબળી જણાઈ હતી, નકલી નોટોમાં સિક્યુરીટી થ્રેડ પણ નહોતા અને વોટર માર્ક પણ જણાઈ આવ્યા નહોતા, તેના કારણે આ નકલી નોટો છે તેની ખરાઈ કરવામાં આવી હતી. બંને જણાની આકરી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ નકલી નોટો વડોદરાના હરણી વિસ્તારમાંથી વિશાલ બાપુ નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા. સરખેજ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે, અને વડોદરાના હરણી વિસ્તારના વિશાલ બાપુને પણ ઝડપી લેવા માટે ટીમોને કામે લગાડી દીધી છે.