અમદાવાદ: કોરોનાથી પત્નીનું મોત, વિરહમાં પતિએ કરી આત્મહત્યા
01, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

કાળમૂખા કોરોનાએ અનેક પરિવારોને વેરવિખેર કરી દીધા છે. તેવામાં અમદાવાદમાંથી કોરોનાને કારણે આપઘાત કર્યો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પત્નીનું કોરોનાથી મોત થતાં તેના વિરહમાં પતિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેના પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કોરોના મહામારીને કારણે અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવી દીધા છે. કોઈએ ઘરના મોભી તો કોઈએ તેમના વ્હાલસોયા બાળકોને ગુમાવ્યા છે.

આમ કોરોનામાં મૃત્યુ પામેલાં સ્વજનોને ભૂલાવવા પરિવાર માટે બહુ મુશ્કેલ હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સ્વજન ગુમાવી દેતાં એક શખ્સે ન ભરવાનું પગલું ભર્યાનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સેટેલાઈટના આઝાદ એપાર્ટમેન્ટમાં રહેતાં રૂપેશભાઈ રજનીકાંત દેસાઈના પત્નીને કોરોના થતાં તેમનું મોત નિપજ્યું હતું. જેથી મનમાં લાગી આવતાં રૂપેશભાઈએ તા.૩૦ જાન્યુઆરીના રોજ સાંજના સુમારે તેમના ઘરે પંખાના હુકમાં દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution