અમદાવાદ, શહેરના બોપલના રહેવાસી અને માત્ર ૧૩ વર્ષના જુનિયર માસ્ટર કરમન સોની છેલ્લા ૫ વર્ષથી ડ્રમ વગાડે છે. તેની આ ડ્રમ પ્લે કરવાની ઘેલછા રેકોર્ડ સ્વરૂપે નોંધાઈ છે. કરમન ડ્રમ ઉપરાંત કિબોર્ડ પણ સારી રીતે વગાડી જાણે છે. હાલ તે ધોરણ ૮માં ભણે છે અને આજે પણ રોજ ૪ કલાક જેટલો સમય તે ડ્રમ વગાડવામાં પસાર કરે છે. તેના શોખ ને તેની ઉપલબ્ધિ સુધી પહોંચાડવા તેનો પરિવાર પણ હર હંમેશ તેની સાથે જાેડાયેલો રહે છે અરે પરિવારના આશીર્વાદ અને પોતાની આવડત અને ધગશને કારણે કરમને દુનિયાભરમાં ડ્રમ વગાડવામાં અમદાવાદનો ડંકો વગાડ્યો છે. 

કરમનની ડ્રમ વગાડવાની ટેકનીક પણ વિશેષ છે તે કોઈ પણ ગીત સાંભળે એટલે તુરંત જ તેને ક્રમવાર પ્લે કરી શકે છે ગ્રહણશક્તિ ઉત્તમ છે. કરમનની ઉંમરમાં આટલો ઝડપી ડ્રમ વગાડી શકે તેવું ભાગ્યે જ જાેવા મળે છે. તે જ્યારે પ્રેક્ટિસ કરતો હોય ત્યારે તેમાં ખોવાઈ જતો હોય છે અને તેની આ જ લગને તેને મોટી સિદ્ધિ અપાવી છે. તેનો પરિવાર પણ દીકરાના ઉપલબ્ધિને લઈને ગદગદ થઈ જાય છે. ભણતરની સાથે ડ્રમ ની દુનિયામાં પણ તેનું ઘડતર થઈ રહ્યુ છે. માતા જીનલ સોની જણાવે છે કે પાંચ વર્ષ પહેલા તેના શોખ લાગ્યો હતો અને જ્યારે પણ કોઇ ફંકશનમાં જાેઈએ અને ત્યાં ડ્રમ વાગતા હોય એટલે કરમન ત્યાં પહોંચી જતો. તેના શોખ ને તેણે પોતાના જીવનમાં ઉતાર્યો અને અમે આજે તમામ પ્રકારના ડ્રમ ઘરમાં જ વસાવ્યા છે. તે નિયમિત તેની પ્રેક્ટિસ પણ કરે છે અને આગળ જતાં આ ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ પણ હાંસલ કરવા માંગે છે.. ત્યારે અમે પણ તેના શોખ ને તે સારી દિશા માં સારી રીતે ઉજાગર કરી શકે એ માટે તત્પર છીએ.