દિલ્હી-

કોરોનાની બીજી લહેરે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. રોજેરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે જ્યારે હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે. કોરોનાની કારમી થપાટ આગળ દુનિયાના ભલભલા દેશોની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ પણ રમણભમણ થઈ ગઈ છે. કરોડો લોકો કોરોનાની આ લહેર ધીમી પડે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. પરંતુ સંશોધકો આગામી દિવસો માટે ડરાવનારી આગાહી કરી રહ્યા છે. આઈઆઈટી કાનપુરના મનિન્દ્ર અગ્રવાલે મેથેમેટિકલ મોડેલના આધારે આગામી દિવસો કેવા હશે તેની આગાહી કરી છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, અમારા મોડેલ પ્રમાણે નવા સંક્રમણના કેસ રોજ વધતા રહેશે. ૧ થી ૫ મે વચ્ચે રોજ લગભગ ૩.૩ લાખથી ૩.૫ લાખ કેસ નોંધાઈ શકે છે. જ્યારે ૧૧ થી ૧૫ મે દરમિયાન તે વધીને ૩૩ થી ૩૫ લાખ પણ થઈ શકે છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩.૧૪ લાખ નવા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે અને આ પૈકીના ૭૫ ટકા કેસ ૧૦ રાજ્યોમાં નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧.૫૯ કરોડ પર પહોંચી ચુકી છે. જાેકે આઈઆઈટી કાનપુરના સંશોધકો તો તેના કરતા પણ વધારે કેસ એક દિવસમાં નોંધાશે તેવી આગાહી કરી રહ્યા છે.