26, જુન 2020
વડોદરા, તા.૨૫
રણોલી જીઆઈડીસીમાં ચકચારી ડીઝલચોરી પ્રકરણમાં રાજકીય કિન્નાખોરીથી ષડ્યંત્ર રચી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે ફરિયાદ કરાયાના આક્ષેપ સાથે સમગ્ર રાજપૂત સમાજે બેનર્સ સાથે દેખાવો યોજી સમગ્ર ફરિયાદ પાછી ખેંચવાની માગ કરી હતી. કરણીસેના, મહાકાલસેના, શક્તસેના સહિતનાએ ચકચારી ડીઝલચોરીના પ્રકરણમાં સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે રાજકીય ષડ્યંત્ર અને કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વાઘોડિયા મતવિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સત્તાનો દુરુપાયોગ કરી સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર રાજકીય દ્વેષભાવ રાખી ખોટો ડીઝલચોરીનો કેસ ઊભો કરવામાં આવ્યો છે. પોલીસ અને સરકારને ગેરમાર્ગે દોરી કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર દબાણ કરી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે. જેના વિરોધમાં આવા બનાવટી કેસો ઊભા કરી રાજકીય દ્વેષભાવ રાખી કેસ ઊભો કરેલ છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ દિન-૭માં યોગ્ય પગલાં ન લેવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.