દિલ્હી-

વર્ષ ૨૦૧૯માં દિલ્હીના વેપારી મંડળે ઈ-કોમર્સ કંપનીઓ સામે માંડેલો મોરચો કર્ણાટક થઈને અંતે આજે દિલ્હીમાં જ સમાપ્તિના આરે પહોંચ્યો છે. ૨૦૧૯માં દેશની ટોચની ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટની સામે સ્પર્ધાત્મક પ્લેટફોર્મ ન પુરૂં પાડવાના આક્ષેપ લાગ્યા હતા અને ભારતીય રીટેલ માર્કેટમાં એકહથ્થુ શાસન સામે સીસીઆઇ સમક્ષ અરજી કરવામાં આવી હતી.ભારતીય પ્રતિસ્પર્ધા આયોગની તપાસ સામે એમેઝોન અને ફ્લિપકાર્ટે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને અંતે આજે ઈ-કોમર્સ કંપનીઓને સુપ્રિમ તરફથી મસમોટો ફટકો પડ્યો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે સીસીઆઈની તપાસ રોકવા માટેની અરજી કોર્ટે ફગાવી છે.

સુપ્રિમ કોર્ટે આજે પોતાના આદેશમાં નિર્દેશ કર્યો છે કે સીસીઆઇ પોતાની તપાસ શરૂ કરી શકે છે. નીચલી કોર્ટમાં હાર્યા બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટે ૨૮ જુલાઈએ સુપ્રિમ કોર્ટમાં આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં સીસીઆઇની તપાસમાંથી રાહત આપવા અપીલ કરવામાં આવી હતી,જેને આજે સુપ્રિમે નામંજૂર કરી છે.કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે કોમ્પિટિશન એક્ટના સેક્શન ૩ હેઠળ ૪ અઠવાડિયા પછી તપાસ ચાલુ રાખી શકે છે,તેમ સુપ્રિમે આદેશમાં જણાવ્યું છે.શું છે સમગ્ર મામલો ?

ઓક્ટોબર ૨૦૧૯માં દિલ્હી ટ્રેડ ફેડરેશને આ બે ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ સીસીઆઈમાં એક અરજી દાખલ કરીને સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે તપાસની માંગ કરી હતી. એમેઝોને ફેબ્રુઆરી, ૨૦૨૦માં કર્ણાટક હાઇકોર્ટમાં આ અરજી સામે અપીલ કરી હતી. ત્યારબાદ કેસની સુનાવણી કરતી વખતે કર્ણાટક હાઈકોર્ટે સીસીઆઈની તપાસ પર કાર્યકારી સ્ટે મુક્યો હતો અને આગળ મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો હતો, જેના પર સુપ્રિમ કોર્ટે આજે આ મહત્વનો ર્નિણય આપ્યો છે. ગત મહિને કર્ણાટક હાઈકોર્ટની ખંડપીઠે પોતાના ર્નિણયમાં કહ્યું હતું કે તેમને સમજાતું નથી કે એમેઝોન અને ફ્લિપકાર્ટ સીસીઆઈની આ તપાસમાં સહકાર કેમ નથી આપી રહ્યા ? હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે એન્ટ્રી ટ્રસ્ટ બોડી માત્ર સામાન્ય ખાતાકીય તપાસ કરી રહી છે.