અમદાવાદ-

ભાજપની જન આશીર્વાદ યાત્રાનો વિરોધ કરવા કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી કરવાના બદલે ઉત્સવોની ઉજવણી કરી રહી છે. આ બાબતે સરકારને શરમ આવવી જોઈએ, પરંતુ સરકાર ખાલી મોટા વાયદાઓ અને પોતના શાસન માટે કામ કરે છે. રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન 2 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોરોનામાં સરકાર દ્વારા અનેક કાળાબજારી કરવામાં આવી છે, જ્યારે સરકારે અણઘડ વહીવટ કર્યો છે. ચૂંટણી નજીક આવતા જ હવે ભાજપના નેતાઓએ જનતાને ભગવાન ભરોસે મોકલી દીધી છે, ત્યારે ખરેખર કોરોના કાળમાં જરૂર હતી ત્યારે, ભાજપના કોઈ નેતા પ્રજાની પડખે હાજર રહ્યા ન હતા. પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે અને શેરીએ શેરીએ જઈને કોરોનામાં જે લોકોને મુશ્કેલી પડી છે, કે હાલ કેવી મુશ્કેલી પડી રહી છે, તેની સમગ્ર બાબતોની માહિતી મેળવી પ્રજા માટે લડત કરશે અને પ્રજાની સમક્ષ મુકશે.