દિલ્હી-

પોંડીચેરીનાં કરાઈકલમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, હું મારા રાજકીય અનુભવના આધારે કહેવા માંગુ છું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પોંડીચેરીમાં BJPના નેતૃત્વ હેઠળ NDAની સરકાર બનવાની છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી 115થી વધુ યોજનાઓ શરૂ કરીને પોંડીચેરીના સર્વાંગી વિકાસ માટે પગલાં લીધા છે. પરંતુ અહીં એક સરકાર હતી જે નિમ્ન કક્ષાનું રાજકારણ કરવા માંગતી હતી, તેમને ડર હતો કે જો આ યોજનાઓ પોંડીચેરીની જનતામાં લોકપ્રિય થઈ જશે તો તેમનો આધાર જ ખોવાઈ જશે. અહીંની સરકારે આ કેન્દ્ર સરકારની યોજનાઓને જમીન પર લાગુ થવા જ ન દીધી.

પોંડીચેરીમાં વી.નારાયણસામીની કોંગ્રેસ સરકાર તાજેતરમાં જ પડી છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અમારા પર આ સરકાર પાડવાનો આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ આ સરકાર પાડી દીધી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે અહી મુખ્યપ્રધાન જ એવા વ્યક્તિને બનાવ્યા જે તેમના નેતાઓના પગે પડે છે અને પાર્ટીના મોટા નેતાના ભાષણનું ભાષાંતર કરતી વખતે પણ ખોટું બોલે છે.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. રાજવંશ અને વંશવાદને કારણે કોંગ્રેસ પક્ષ માત્ર પોંડીચેરીમાં જ નહીં પરંતુ આખા દેશમાં વેરવિખેર થઇ રહી છે. પોંડીચેરીમાં વી.નારાયણસામીની સરકારે ભ્રષ્ટાચારની નદીઓ વહાવી દીધી. ગૃહપ્રધાન અમિત શાહે જનસભામાં પ્રશ્ન કર્યો કે ભારત સરકાર દ્વારા પોંડીચેરીના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયા મોકલ્યા છે, શું આ પૈસા તમારા ગામડામાં આવ્યા છે ? નારાયણસામીની સરકારે કેન્દ્ર સરકારે આ 15,000 કરોડ રૂપિયા ગાંધી પરિવારની સેવામાં દિલ્હી મોકલી દીધા છે.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે લોકશાહીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ મહત્વની હોય છે. અમિત શાહે જનસભાને પ્રશ્ન કર્યો કે તમે મને કહો કે આ ચૂંટણીઓ પોંડીચેરીમાં યોજાવી જોઇએ કે નહીં? પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ પણ 14 વર્ષ પછી પણ અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવી ન હતી. કારણ કે તેમને ડર હતો કે જો ચૂંટણી યોજાય તો અહીં ભાજપનું કમળ ખીલશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે પોંડીચેરીના વિકાસ માટે ઘણું કામ કર્યું છે.